ગૃહ રાજ્યકક્ષા મંત્રીએ નડિયાદ ખાતે રૂ. 5343.47 લાખના નવનિર્મિત મકાનો અને ડિસ્પેન્સરી એમ.ટી વિભાગ, જીમ્નેશિયમ, શોપિંગ સેન્ટર, કંપની ઓફિસો, તેમજ બેન્ડ ઓફિસનું લોકાર્પણ કર્યું

નડિયાદ, ખેડા જીલ્લામાં નડિયાદ એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ. 4580.07 લાખના ખર્ચે નડિયાદ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ (એસઆરપી)- 07 ના 280 મકાનો અને રૂ. 763.40 લાખના ખર્ચે નિર્માણ પામેલ ડિસ્પેન્સરી, એમ ટી વિભાગ, જીમ્નેશિયમ, શોપિંગ સેન્ટર, કંપની ઓફિસો, તેમજ બેન્ડ ઓફિસ સહિત કુલ રૂ.5343.47 લાખના પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ -07 ના 280 પોલીસ પરિવારોમાટે આ નવું ઘર આપ સર્વે પરિવારો માટે દિવાળી ભેટથી વિશેષ ભેટ બની રહે તેવી શુભકામના પાઠવી. શહેરોના મોંઘા મકાનો કરતા પણ અત્યાધુનિક સુવિધાથી આ મકાનો સજ્જ છે. ગુજરાત સરકારે આ બે બેડરૂમ હોલ, કિચન સહિત ફૂલ્લી ફર્નિચર સાથે આ મકાનો રાજ્ય અનામત દળ માટે બનાવ્યા છે. જેથી આપ સર્વે પોલીસ પરિવારો પોતાના પરિવાર સાથે શાંતિથી રહી શકો અને પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી શકો. વધુમાં મંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર મકાનોની ભેટ 280 પરિવારોને આપી રહી છે. તેથી મંત્રીએ પરિવારોને વિનંતી કરી કે આ ઘરને સરકારી ઘર સમજીને કુમ્ભ ઘડો ન મુક્તા, સરકારી મકાન સમજીને ગૃહ પ્રવેશ ન કરતા, પોતાનું ગૃહ સમજીને ગૃહ પ્રવેશ કરજો તેમ હળવા ભાવે કહ્યું હતું.

વધુમાં જયારે કોઈની બઢતી થઈને કે સરકારી નિયમોનુસાર બદલી થઈને તમે જયારે આ આવાસ કોઈ અન્ય વ્યક્તિને અપાય ત્યારે તે વ્યક્તિને ગૃહમાં પ્રવેશ કરતા પોતાના ગૃહપ્રવેશની અનુભૂતિ થાય તેવી સ્થિતિમાં ઘર આપવા મંત્રીએ વિનંતી કરી હતી.

હર્ષ સંઘવીએ રાજય અનામત પોલીસ દળના સેનાપતિ અતુલકુમાર બંસલને વિનંતી કરી કે, બહેનોની એક કમિટી બનવવામાં આવે જેઓ પોતાના બ્લોકમાં સ્વચ્છતાની કમાન સંભાળે જેથી આવનારા સમયમાં પણ આ આવાસો નવનિર્મિત સ્થિતિમાં રહી શકે. સાથોસાથ મંત્રીએ પોલીસ અધિક્ષક રાજેશભાઈ ગઢિયાને વિનંતી કરી કે, સ્ટુડન્ટ પોલીસ કેડેટને એકદિવસીય રાજ્ય અનામત પોલીસ દળની તાલીમ આપવામાં આવે અને તેમની કામગીરીથી માહિતગાર કરવામાં આવે કારણ કે, રાજય અનામત પોલીસ એ સાઈડ ફોર્સ નથી. ગુજરાત પોલીસનો મહત્વનો અંગ છે. કુદરતી આપત્તિ,આંદોલન, અથવા રાજ્યમાં કોઈ પણ વિપત્તિ આવી હોય પોતાના પરિવારની ચિંતા કર્યા સિવાય રાજ્યની જનતાને સંકટ માંથી બચાવી કુદરતના મોકલેલા દૂતનો કાર્ય આ પોલીસ કરે છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખેડા પોલીસની કામગીરીની બિરદાવતા જણાવ્યું કે, સ્વંયસિદ્ધા પ્રોજેક્ટથી આજે અનેક મહિલાઓ ગેરકાનુની ધંધા છોડીને સમાજમાં આજે સન્માન સાથે જીવી રહી છે. આ શક્ય બન્યું છે, ખેડા જીલ્લા પોલીસના સકારાત્મક અભિગમથી. સાથોસાથ ખેડા જીલ્લાને 18-02-2023ના રોજ 137 નવા પોલીસ કર્મચારીઓ આપવામાં આવ્યા છે. જેથી જીલ્લામાં શાંતિ, સલામતી, સુરક્ષા જળવાઈ રહી છે. કાર્યક્રમમાં મંત્રી એ વૃક્ષારોપણ કરી વધુ ને વધુ વૃક્ષ વાવવા વિનંતિ કરી હતી. કાર્યક્રમાંના અંતે મંત્રીએ પોતાના હસ્તે પોલીસ જવાનોને તેમના ઘરની ચાવી આપી શુભેચ્છાઓ આપી તેમના કુશળ જીવનની કામના કરી હતી.

આ કાર્યક્રમમાં ખેડા જીલ્લાના સર્વે ધારાસભ્યઓ, અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, કલેકટર કે.એલ.બચાણી, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિશાલકુમાર વાઘેલા, અધિક પોલીસ મહાનિદેશક નરસિમ્હા કોમાર,ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, રાજ્ય અનામત પોલીસ દળના સેનાપતિ અતુલ કુમાર બંસલ, તેમજ જીલ્લાના અગ્રણીઓ અને ખેડા જીલ્લાના અધિકારીઓ કર્મચારીઓ, રાજ્ય અનામત પોલીસ દળના પોલીસ કર્મીઓ અને તેમના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.