વડોદરા શહેર નજીક આવેલા ભાયલી ગામ પાસે બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ સમગ્ર ઘટનાને લઇ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે શહેરોના ડેરી ડેન સર્કલ ખાતે NSUI દ્વારા ભારે સૂત્રોચાર કરી ગૃહ રાજ્યમંત્રીના પૂતળાનું દહન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં NSUIના કાર્યકર્તા ગૃહમંત્રીના પૂતળાનું દહન કરે તે પહેલાં જ પોલીસે આઠથી વધુ કાર્યકર્તાની અટકાયત કરી હતી. થોડી વાર તો રોડ પર જાણે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે રેસ લાગી હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં. જે બાદ ટીંગાટોળી સાથે તમામની પોલીસે અટકાયત કરી લીધી હતી.
પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ
આજે (9 ઓક્ટોબર) શહેરના ડેરી ડેન સર્કલ પાસે NSUIના કાર્યકર્તાઓ દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં હાય રે ભાજપ હાય હાય અને આરોપીઓને ફાંસી આપો ફાંસી આપોના નારા લાગ્યા હતા. દરમિયાનમાં એક NSUIના કાર્યકર્તા સામેની તરફથી પૂતળું લઇને દોડ્યો હતો, જેને પોલીસ જોઈ જતાં પોલીસ અને NSUIના કાર્યકર્તા વચ્ચે 100 મીટર જેટલી રેસ લાગી હતી. ત્યારબાદ કાર્યકર્તાને ઝડપી પૂતળાનું દહન થાય તે પહેલાં જ કબજે કર્યું હતું. બાદમાં પોલીસ અને NSUI વચ્ચે ભારે ઘર્ષણ બાદ પોલીસે ટીંગાટોળી કરીને કાર્યકર્તાઓને પોલીસવાનમાં બેસાડ્યા હતા. જૉ કે, આ દરમિયાન પોલીસના જવાનોને પસીનો છૂટી ગયો હતો.
આ અંગે NSUIના અમરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, જેવી રીતે તમે જોશો કે ગુજરાતમાં બહેન-દીકરીઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. થોડાક દિવસ અગાઉ દાહોદમાં કિસ્સો બન્યો હતો,. ત્યારબાદ વડોદરા અને હવે સુરતની વાત કરીએ તો ભાજપની આ સરકારમાં અત્યાચારો વધી રહ્યા છે. ત્યારે સરકાર વાતો કરતી હોય છે કે, બેટી પઢાઓ બેટી બચાવો. હાલમાં દીકરીઓ સલામત નથી.