ગૃહમાં પોતાની ચેર પર બેસીને મોબાઈલ ફોનમાં પોર્ન ફિલ્મ જોઈ રહ્યા હતા.: ’બ્લૂ જેપી. શેમ. : પ્રકાશ રાજ

મુંબઇ,હાલ ત્રિપુરાના ભાજપના એક ધારાસભ્યનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ વિધાનસભા સત્ર દરમિયાન ગૃહમાં પોતાની ચેર પર બેસીને મોબાઈલ ફોનમાં પોર્ન ફિલ્મ જોઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ, આ વાયરલ વીડિયો ત્રિપુરા વિધાનસભા સત્ર દરમિયાન ૩૦ માર્ચનો જણાવવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ત્રિપુરાના બાગબાસા વિધાનસભા સીટના ભાજપના ધારાસભ્ય જાદવ લાલનાથ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જાદવ લાલનાથ પોતાની સીટ પર બેસીને મોબાઈલ ફોનમાં એક વીડિયો જોઈ રહ્યા છે. જાદવ લાલનાથ મોબાઈલ ફોનમાં વીડિયો જોતા કેમેરામાં કેદ થઈ ગયા છે. વિધાનસભામાં રાજ્યના બજેટને લગતા જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન ભાજપના ધારાસભ્ય પોર્ન વીડિયો જોઈ રહ્યા હોવાનો આરોપ લાગ્યો છે.

હવે આ મામલે અભિનેતા પ્રકાશ રાજે ભાજપના ધારાસભ્યના આ કૃત્યને શરમજનક ગણાવ્યું છે. અભિનેતાએ નેતાનો એક વીડિયો શેર કરતા લખ્યું હતું કે, ’બ્લૂ જેપી. શેમ.’ આ મામલે ત્રિપુરા ભાજપ અધ્યક્ષ રાજીવ ભટ્ટાચાર્યએ કહ્યું કે, પાર્ટી તરફથી ધારાસભ્ય જાદવ લાલનાથને નોટિસ જારી કરવામાં આવી છે અને ખુલાસો માંગવામાં આવ્યો છે. ધારાસભ્ય જાદવ લાલનાથે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ’આ તેને બદનામ કરવાનું ષડયંત્ર છે.’

જાદવ લાલનાથે સીપીએમના સૌથી મજબૂત કિલ્લામાંથી એક બાગબાસા વિધાનસભા ક્ષેત્રમાં ભાજપની જીતનો પરચમ લહેરાવ્યો હતો. બાગબાસ વિધાનસભા સીટ પર ૨૦૧૮ની ચૂંટણીમાં ભાજપ જીતી શક્યું ન હતું. ૨૦૧૮ની ચૂંટણીમાં સીપીએમ બિજિતા નાથને ભાજપના પ્રદીપકુમાર નાથને ૨૭૦ વોટથી હરાવ્યા હતા. ૨૦૨૩ની ચૂંટણીમાં ભાજપે જાદવ લાલનાથ પર દાંવ લગાવ્યો હતો.

ભાજપના જાદવ લાલનાથે બાગબાસામાં સીપીએમના બિજિતા નાથનો વિજય રથ રોકી દીધો હતો. જાદવ લાલનાથે સીપીએમના સીટિંગ ધારાસભ્ય બિજિતા નાથને ૧૪૦૦ વોટના અંતરથી હરાવી દીધા હતા ટીએમસીના બિમલ નાથ ત્રીજા અને ટિપરા મોથાની કલ્પના સિન્હા ચોથા સ્થાને રહ્યાં હતા.