ગ્રીસમાં ટ્રેન અકસ્માતમાં ૩૮ના મોત, પરિવહન મંત્રીએ રાજીનામું આપ્યું

લારિસા,

ઉત્તરી ગ્રીસમાં મંગળવારે મોડી રાત્રે પેસેન્જર ટ્રેન અને માલવાહક ટ્રેન વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા ૩૮ લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. આ દુર્ઘટના બાદ દેશના પરિવહન મંત્રી કોસ્તાસ કરમાનલિસે રાજીનામું આપી દીધું છે. કરમનલિસે કહ્યું કે તેમને લાગ્યું કે આવી ઘટનાને કારણે તેમણે રાજીનામું આપવું જોઈએ. અધિકારીઓએ જણાવ્યું હતું કે પેસેન્જર ટ્રેન રાજધાની એથેન્સથી થેસ્સાલોનિકી તરફ જઈ રહી હતી અને રજાઓ બાદ યુનિવસટી પરત ફરી રહેલા ઘણા વિદ્યાર્થીઓ સહિત સેંકડો મુસાફરોને લઈ જઈ રહી હતી.

એથેન્સથી લગભગ ૩૮૦ કિલોમીટર ઉત્તરમાં ટેમ્પની નજીકની ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ અધિકારીઓના જણાવ્યા અનુસાર નજીકના શહેર લારિસાના સ્ટેશન માસ્ટરની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેનું નામ જાહેર કર્યું નથી અને વધુ બે લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.

સરકારી પ્રસારણકર્તાએ જણાવ્યું હતું કે મંગળવારે મધ્યરાત્રીએ અકસ્માત થયો ત્યારે પેસેન્જર ટ્રેન ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે દોડી રહી હતી. અકસ્માત બાદ સ્થળ પર પહોંચેલા એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે, ત્યાં સ્ટીલના ટુકડા વિખરાયેલા હતા. બંને ટ્રેનોને ભારે નુક્સાન થયું હતું. ગભરાયેલા મુસાફરો કોચમાંથી બહાર નીકળતા અને રડતા જોવા મળ્યા હતા.

બુધવારે ઘટનાસ્થળની મુલાકાત લેનારા ગ્રીસના વડા પ્રધાન કિરિયાકોસ મિત્સોટાક્સિે જણાવ્યું હતું કે સરકાર ઘાયલોની સારવાર કરવામાં અને મૃતકોની ઓળખ કરવામાં મદદ કરશે. મિત્સોટાક્સિે કહ્યું કે હું એક વાતની ખાતરી આપી શકું છું, અમે આ દુર્ઘટનાના કારણો શોધી કાઢીશું અને આવી ઘટનાઓ ફરી ક્યારેય ન બને તે માટે અમે શક્ય તેટલું બધું કરીશું.

ગ્રીકના રાષ્ટ્રપતિ કેટેરીના સાકેલારોપૌલોએ ઘટનાસ્થળની મુલાકાત લેવા માટે મોલ્ડોવાની સત્તાવાર મુલાકાત ટૂંકી કરી. સરકારે બુધવારથી ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. બ્રસેલ્સમાં યુરોપિયન કમિશનની તમામ ઇમારતોની બહાર વજ અડધી માસ્ટ પર લહેરાશે.