દાહોદ,દાહોદ નગર પાલિકા દ્વારા તારીખ 24 એપ્રિલના રોજ મહાનુભાવોના હસ્તે હેમંંત ઉત્સવ બજારના નવીનીકરણ માટે ખાતમુહુર્ત કરાવવામાં આવ્યું હતું. શહેર મધ્યે એક સુવિધા જનક કોમ્પલેક્સ બવૃનવા જઇ રહ્યુ હતું પરંતુ આ જમીન ગ્રીન સ્પેસ માટે સંપ્રાપ્ત કરેલી હોઇ કોઇ પણ બાંધકામ કરવાની મંજૂરી આપવામાં ન આવી ન હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. જેથી દાહોદવાસીઓ માટે એક માઠાં સમાચાર કહી શકાય તેમ છે.
દાહોદ નગર પાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના યુડીપી 88 ની ગ્રાન્ટમાંથી 5.15 લાખ જેટલો ખર્ચ કરીને દાહોદના ફાયનલ પ્લોચ નંબર-91માં હેમંત ઉત્સવ બજાર ડેવલોપમેન્ટનું બાંધકામ કરવાનું હતું. તેના માટે પ્રાદેશિક કમિશ્ર્નર કચેરીમાંથી તાંત્રિક અને વહીવટી મંજૂરી પણ મળી ગઇ હતી. જેથી તેના માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું તેમજ જે કંંપનીઓએ ટેન્ડર ભર્યા હતા. તેમાંથી એક કંપનીનું ટેેન્ડર પણ મંજૂર કરી દેવાયુ હતું.પાલિકાના સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ત્રણ વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ ટેન્ડર મંજૂર થઇ જતાં તારીખ 24 એપ્રિલના રોજ સાંસદ, જીલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ, ધારાસભ્ય અને પાલિકાના પ્રમુખના હસ્તે કાઉન્સીલરોની ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત પણ કરી દેવાયું હતું.
બાંધકામની મંજૂરી માટે તાંત્રિક અને વહીવટી મંજૂરી સાથે પ્રાદેશિક કમિશ્ર્નરની કચેરીને એક પત્ર ગત 15 માર્ચના રોજ એક પત્ર પાઠવવામાં આવ્યો હતો. જેમાં દાહોદ નગર પાલિકા દ્વારા પૂર્વ મંજૂરી માંગવામાં આવી હતી. તેની એક નકલ કમિશ્ર્નર મ્યુનિસીપાલિટી એડમીનીસ્ટ્રેશનની કચેરી, ગાંધીનગરને પણ મોકલી આપવામાં આવી હતી. તેવા સમયે હાલમાં જ પ્રાદેશિક કમિશ્ર્નર એસ.પી.ભગોરાનો એક પત્ર દાહોદના ચીફ ઓફિસરને પાઠવવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું છે કે સંદર્ભ દાહોદ પાલિકાના 15 માર્ચના પત્ર અન્વયે દાહોદ નગર પાલિકાની માલિકીના ફાયનલ પ્લોટ-91 વાળી જગ્યામાં નવીન હેમંત ઉત્સવ બજાર ડેવલોપમેન્ટમાં બનાવવામાં આવનાર હોઇ તેનીપૂર્વ મંજૂરી આપવા અત્રેની કચેરીમાં કમિશ્ર્નર, મ્યુનિસીપાલિટી એડમીનીસ્ટ્રેશનની કચેરી, ગાંધીનગર અર્થે ભલામણકરવા રજૂઆત કરેલ છે.
જે પરત્વે સાથે સામેલ એફ-ફોર્મની વિગતો ચકાસતાં ફાયનલ પ્લોટ નંબર-91 વાળી જમીન ગ્રીન સ્પેસ તરીકે સંપ્રાપ્ત થયેલ છે. જેમાં સદરહું બાંધકામ મળવા પાત્ર નથી.જે ધ્યાને લેવા વિનંતી.
દાહોદમાં આમ પણ મનોરંજનના સ્થળો જૂજ છે. ત્યારે હેમંત ઉત્સવ બજારમાં બેઝમેન્ટમાં પાર્કિંગ, તેમજ ઉપરના માળે દુકાનો અને ટેરેસ ગાર્ડન, મલ્ટી પરપઝ હોલ, તેમજ ગેમ ઝોન પણ બનાવવાનુ આયોજન હતું. જો આ નવીનીકરણ નિર્વિઘ્ને પાર પડી ગયુ હોત તો શહેરની વચ્ચે શહેરીજનોને એક આધુનિક કોમ્પલેક્સની સુવિધા પ્રાપ્ત થઇ શકી હોત પરંતુ હવે તેનીી દિશાઓ હાલ ધૂંધળી લાગી રહી છે. કારણ કે ગ્રીન સ્પેેસની જમીન જાહેર કરેલી હોય તો નવા નિયમોનુસાર બાંધકામ કરવુ અઘરૂ લાગી રહ્યુ છે.