ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઠાકરે જુથની શિવસેનાએ બધાને ચોંકાવ્યા

મુંબઇ,

મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં ૨૨૨ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં રિઝલ્ટ આવી ગયું છે અને ઠાકરે જુથની શિવસેના પાર્ટીએ બધાને ચોંકાવી દીધા છે. શિવસેના ઠાકરે જૂથે ફરી એકવાર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ૧૦૧ ગ્રામ પંચાયતોમાં ઠાકરે જૂથનો દબદબો છે. CM શિંદે જૂથના ધારાસભ્ય યોગેશ કદમે ખેડ વિધાનસભા ક્ષેત્રમાં જોરદાર પ્રદર્શન કર્યું, જ્યારે રત્નાગીરીમાં, પાલક મંત્રી ઉદય સામંતે ઠાકરે જૂથને સખત લડત આપી છે.

આ બંને મતવિસ્તારોમાં ઠાકરે જૂથની શિવસેનાએ મોટી છલાંગ લગાવી છે. ગુહાગર અને રાજાપુરમાં ઠાકરે જૂથના ધારાસભ્ય ભાસ્કર જાધવ અને ધારાસભ્ય રાજન સાલ્વી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવામાં સફળ રહ્યા છે. ઠાકરે જૂથે ચિપલુણ મતવિસ્તારમાં દ્ગઝ્રઁને પણ હરાવ્યું છે.

જિલ્લાની ૨૨૨ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ગળાકાપ સ્પર્ધા જોવા મળી હતી. શિવસેના ઠાકરે જૂથે ૧૦૧ ગ્રામ પંચાયતો જીતી છે, જ્યારે મુખ્યમંત્રી શિંદે જૂથે ૪૫ ગ્રામ પંચાયતો કબજે કરી છે. બીજી તરફ, ભાજપે ૧૯ ગ્રામ પંચાયતો, એનસીપીને ૮ અને કોંગ્રેસને ૩ બેઠકો મળી છે. ગ્રામ્ય પેનલે ૪૫ બેઠકો પર પ્રભુત્વ જાળવી રાખ્યું હતું.

અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના ૧૮ જિલ્લાની ૧૧૬૫ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આમાં ભાજપ ભલે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હોય, પરંતુ તેને તેના ગઢમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એમવીએએ ૪૫૭ ગ્રામ પંચાયત સીટો જીતી છે. આમાં એનસીપી ૧૫૫ બેઠકો જીતીને સૌથી વધુ નફાકારક રહી છે, જ્યારે, ઉદ્ધવ જૂથની શિવસેનાએ ૧૫૩ અને કોંગ્રેસે ૧૪૯ બેઠકો જીતી છે. બીજી તરફ ભાજપની શિવસેના અને તેના નવા ભાગીદાર એકનાથ શિંદે જૂથને કુલ ૩૫૨ બેઠકો મળી છે. જો કે, પંચાયતની ચૂંટણીઓ પક્ષના ચિન્હો પર લડવામાં આવતી નથી, જેના કારણે સાચા આંકડા જાહેર થતા નથી. આવી સ્થિતિમાં તમામ પક્ષો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા હતા. રવિવારે મહારાષ્ટ્રના ૧૮ જિલ્લાની ૧૧૬૫ ગ્રામ પંચાયતોમાં મતદાન થયું હતું. થાણે, પાલઘર, નંદુરબાર, નાસિક, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, પુણે, સતારા, કોલ્હાપુર, ભંડારા, ગોંદિયા, અમરાવતી, ગઢચિરોલી, નાગપુર, વાશિમ, વર્ધા, ચંદ્રપુરની ગ્રામ પંચાયતોમાં ૭૫ ટકા મતદાન થયું હતું. ૧૧૬૫ ગ્રામ પંચાયતના ઉમેદવારોમાંથી ૧૧૫ બિનહરીફ ચૂંટાયા હતા, ત્યારબાદ બાકીની ૧૦૫૦ ગ્રામ પંચાયતોની બેઠકોના પરિણામો સોમવારે મોડી સાંજે જાહેર કરવામાં આવ્યા હતા. જો કે તેમાં મહાવિકાસ આઘાડીનું પલડું ભારે રહ્યું હતું. જ્યારે, એનડીએને ઝટકો લાગ્યો છે. પંચાયતની ચૂંટણીઓ એટલે પણ મહત્વની માનવામાં આવતી હતી કારણ કે, આ ચૂંટણી શિવસેના બે જૂથોમાં વિભાજીત થયા બાદ યોજાઈ હતી. આ ચૂંટણીને ઉદ્ધવ ઠાકરે જૂથ અને મુખ્યમંત્રી એકનાથ શિંદ કેમ્પ માટે લિટમસ ટેસ્ટ માનવામાં આવી રહી હતી.