ગીર સોમનાથ : ગીર સોમનાથના વેરાવળની એક્સિસ બેંકમાં નકલી સોનું પધરાવી બે કરોડની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. ગોલ્ડ લોન માટે ગીરવે રાખેલા પાઉચમાંથી અસલી સોનું કાઢી અને પીળી ધાતુ મુકી ગ્રાહકોને લોન આપવાનું કૌભાંડ ઝડપાયું છે.
ગોલ્ડ વિભાગના સેલ્સ મેનેજર સહિત ત્રણ કર્મચારીઓએ આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યુ છે. બેંકના મેનેજરે વેરાવળ પોલીસ મથકમાં સેલ્સ મેનેજર માનસીંગ સહિત વિપુલ રાઠોડ, અને પીંકી સામે ફરિયાદ નોંધાવી છે.
રાજકોટના તપાસનીશ બેંક અધિકારીઓના સરપ્રાઈઝ ચેકિંગમાં ભાંડો ફૂટયો હતો. લોન લેનારાઓએ ગીરો મૂકેલા સોનાના દાગીનાના પાઉચોનું વેરિફિકેશન ચાલુ કરતા તે દરમિયાન ઘણા પાઉચોમાં પાઉચ નંબર અલગ-અલગ માલૂમ પડયા હતા અને પાઉચ પર નોંધેલા વજન મુજબનું ગોલ્ડ નહીં હોવાનું શંકાસ્પદ જણાતા ગોલ્ડ લોન વિભાગના મેનેજર સહિત ત્રણ કર્મચારીન પ્રાથમિક પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળ્યો.
જેથી અધિકારીએ બેન્ક ના બ્રાંચ મેનેજરને જાણ કરી હતી. જયાં પ્રાથમિક તબક્કે ૨ કરોડના ૨ કિલો ૭૪૬ ગ્રામ સોનાની ઠગાઈ થઈ હોવાનો ઘટસ્ફોટ થયો. ગોલ્ડ લોનના ૪૨૬ પાઉચની તપાસ શરૂ કરી હતી. ઉચાપતનો આંક ૧૨ થી ૧૫ કરોડને આંબે તેવી શકયતા જોવા મળી રહી છે.