ગોધરા નગરપાલિકામાં વાવડી બુઝર્ગ, ચિખોદરા અને ભામૈયા પશ્ચિમ ગ્રામ પંચાયતોને સમાવવામાં આવતા આ ત્રણેય ગ્રામ પંચાયતોના સ્થાનિકો દ્વારા સરકારના આ નિર્ણય સામે વિરોધ નોંધાવી ત્રણ ગામોને નગરપાલિકામાંથી છૂટા કરી ગ્રામ પંચાયતોનો દરજ્જો આપવાની માંગ સાથે જિલ્લા અધિક કલેકટરને આવેદપત્ર આપવામાં આવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૫ માં પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા નગરાલિકા વિસ્તારને અડીને આવેલા વાવડી બુઝર્ગ, ચિખોદરા અને ભામૈયા પશ્ચિમ એમ 3 ગામોને નગરપાલિકામાં સમાવવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે જાહેરનામા નો ત્રણેય ગ્રામપંચાયત દ્વારા વિરોધ કરી તેની સામે ગુજરાત હાઇકોર્ટની સિંગલ બેન્ચ સમક્ષ દાદ વર્ષ ૨૦૧૬માં માંગી હતી. જે વખતે હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારના જાહેરનામાના અમલીકરણ પર સ્ટે આપ્યો હતો અને સમગ્ર મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 6 વર્ષ સુધી હાઇકોર્ટ દ્વારા આ મામલે સુનાવણી હાથધરી હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા પરથી સ્ટે હટાવી લઈને સમગ્ર મામલો હાઈકોર્ટમાંથી ડીસમિસ કરી હતી.
હાઇકોર્ટ દ્વારા સ્ટે પરત લેવામાં આવતા રાજ્ય સરકારના સબંધિત વિભાગ દ્વારા આ ત્રણેય ગ્રામપંચાયતનો ચાર્જ નગરપાલિકાને સોંપવા માટેની કાર્યવાહી કરી હતી અને ગત 1 સપ્ટેમ્બરના રોજ ગોધરા નગરપાલિકામાં ચીફ ઓફિસર દ્વારા ત્રણેય ગ્રામપંચાયતનો કબજો પોતાની હસ્તક લીધો હતો. જેને લઇને આજે આ ત્રણેય ગામના સરપંચો, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા ગોધરા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાજ્ય સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. ગોધરા નગરપાલિકા દ્વારા હાલના પાલિકા વિસ્તારમાં જ પૂરતી સુવિધાઓ આપવામાં આવતી ત્યારે નવા વિસ્તારોમાં કેવી સુવિધાઓ આપવામાં આવશે ? આ ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ અને શ્રમિકો વસવાટ કરે છે જેઓને પાલિકાના વધુ વેરા પણ ભરપાઈ કરવા પડશે જેને લઈને તેમને આર્થિક બોજ વધશે જે પરવડે તેમ નથી જેને લઈને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલો નિર્ણય પરત લેવામાં આવે અને ગ્રામપંચાયતનો દરજ્જો તમામ 3 પંચાયતોને પરત આપવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા અધિક કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ રાજ્ય સરકાર દ્વારા તેમની માંગણી સ્વીકારવામાં નહિ આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટની સિંગલ બેંચના ચુકાદા સામે આ ત્રણેય ગ્રામ પંચાયતો દ્વારા ડબલ બેંચમાં અપીલ પણ કરવામાં આવી છે.