ડીસા, કોંગ્રેસમાં ૩૫ વર્ષ કાઢનારા ગોવા રબારીને પક્ષપલ્ટો ફળ્યો છે. તેમને ડીસા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનાવાયા છે. જ્યારે ડીસા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં તેમની ફક્ત એક જ પેનલ જીતી હતી. જ્યારે મોટાભાગની પેનલ માવજીભાઈની જીતી હતી. આમ ગોવા રબારી માટે ભાજપ સાથેનું જોડાણ પ્રારંભથી જ ફળદાયી નીવડવા લાગ્યું છે.
ડીસા માર્કેટિંગ યાર્ડમાં આજે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન પદે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવા રબારીની જ્યારે વાઈસ ચેરમેન પદે અરજણ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
ડીસા એપીએમસીના ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવતા ગોવા રબારીએ ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિતનાનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છેકે, અઢી મહિના પહેલા ડીસા એપીએમસીની ચૂંટણી યોજાઈ હતી. ૧૭ એપ્રિલે ડીસ યાર્ડના ૧૪ ડિરેક્ટરોની સામાન્ય ચૂંટણી થઇ હતી. જેમાં માવજી દેસાઈની પેનલનો જંગી બહુમતીથી વિજય થયો હતો. જ્યારે સામેની પેનલમાંથી માત્ર પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી જીત્યા હતા. એ સમયે આંતરિક ખેચતાણના કારણે ચેરમેન અને વાઈસ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી ન હતી અને આજે ૧૦ જુલાઈના રોજ ચૂંટણી કરવામાં આવતા ગોવા રબારીને ચેરમેન તરીકે નિયુક્ત કરવામા આવ્યા છે.
કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય અને ઉત્તર ગુજરાત બક્ષીપંચ સમાજના આગેવાન ગોવા રબારી ૧૯ જૂનના રોજ ભાજપમાં જોડાયા હતા. એ સમયે તેમણે જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. ૩૫ વર્ષના રાજકીય કાર્યકાળમાં સમાજની તાકાતથી મોટો થયો છું.