ગોસ્વામીએ મોહમ્મડન સ્પોર્ટીંગ અને ટાઉન ક્લબ વચ્ચેની મેચનો વીડિયો શેર કરીને મેચ ફિક્સિંગનો આરાપો લગાવ્યો

મુંબઇ, ૨૦૦૮ની અંડર-૧૯ વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય ગોસ્વામીએ સોશિયલ મીડિયા પર મોહમ્મડન સ્પોર્ટીંગ અને ટાઉન ક્લબ વચ્ચેની મેચનો વીડિયો શેર કરીને મેચ ફિક્સિંગનો આરપો લગાવ્યો હતો.વિકેટકીપર બેટ્સમેન શ્રીવત્સ ગોસ્વામીએ ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળની ફર્સ્ટ ક્લાસ લીગ મેચ દરમિયાન જે રીતે કેટલાક ખેલાડીઓને આઉટ કરવામાં આવ્યા હતા, તેનાથી મેચ ફિક્સ હોય તેવું લાગી રહ્યું હતું.

૨૦૦૮ની અંડર-૧૯ વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયા પર મોહમ્મડન સ્પોટગ અને ટાઉન ક્લબ વચ્ચેની મેચનો વીડિયો શેર કર્યો હતો. તેણે આરોપ લગાવ્યો કે મોહમ્મડન સ્પોટગના બેટ્સમેનો ટાઉન ક્લબને જીતવામાં મદદ કરવા માટે જાણી જોઈને આઉટ થઈ રહ્યા હતા.આ ક્લબ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મેનેજર દેબબ્રત દાસ સાથે સંકળાયેલી છે, જેઓ હાલમાં સીએબીના સચિવ છે. ૨૦૨૨માં ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન દાસ ભારતીય ટીમના વહીવટી મેનેજર હતા.

આ વિશે સોશિયલ મીડિયા પર વિડિયો શેર કરતા ગોસ્વામીએ લખ્યું, આ કોલકાતા ક્લબ ક્રિકેટમાં સુપર ડિવિઝન મેચ છે, ૨ મોટી ટીમો આ કરી રહી છે, કોઈ અંદાજો છે કે અહીં શું થઈ રહ્યું છે? મને શરમ આવે છે કે મેં એક એવી રમત રમી જે મારા દિલની ખૂબ નજીક છે. મને ક્રિકેટ ગમે છે અને મને બંગાળમાં રમવું ગમે છે, પરંતુ આ જોઈને મારું દિલ તૂટી ગયું. ક્લબ ક્રિકેટ એ બંગાળ ક્રિકેટનું હૃદય અને આત્મા છે, કૃપા કરીને તેને નષ્ટ કરશો નહીં. મને લાગે છે કે તેને ’વેક અપ’ ક્રિકેટ કહેવામાં આવે છે. હવે મીડિયા ક્યાં છે?

અંડર-૧૯ વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોમાં જોઈ શકાય છે કે એક ક્રિકેટર બોલને સીધો વિકેટ પર છોડીને આઉટ થતો જોવા મળી રહ્યો છે. અન્ય એક વિડિયોમાં અન્ય એક ડાબોડી બેટ્સમેન બોલને વિકેટની બહાર આવીને બોલને મારવાના પ્રયાસમાં સ્ટમ્પ આઉટ થતો જોવા મળે છે.

વિકેટકીપર બેટ્સમેન શ્રીવત્સ ગોસ્વામીની કારકિર્દી પર નજર કરીએ તો, તેણે ૨૦૦૯ થી ૨૦૨૨ સુધી બંગાળ માટે સ્થાનિક ક્રિકેટ રમી છે. ગોસ્વામીએ ૬૧ ફર્સ્ટ ક્લાસ મેચોમાં ૩૨.૪૬ની એવરેજથી ૩૦૧૯ રન બનાવ્યા છે. શ્રીવત્સ ગોસ્વામીએ ૪ સદી અને ૧૭ અડધી સદી ફટકારી છે. એમને ૨૦૨૩માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. ૨૦૦૮માં આઇપીએલની પ્રથમ સિઝનમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં હતો. ત્યારબાદ તેને ઇમેજિંગ પ્લેયર તરીકે રાખવામાં આવ્યા હતા. ગોસ્વામીએ આઇપીએલમાં કુલ ૩૧ મેચ રમી હતી. ગોસ્વામી ૨૦૦૮માં અંડર-૧૯ વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય હતા જેનું નેતૃત્વ વિરાટ કોહલીએ કર્યું હતું.