Google મેપ પર રિવ્યૂ આપો, ને પૈસા કમાવો…, લાલચમાં ફસાવી વડોદરાના વેપારીને 82.72 લાખમાં ભેજાબાજોએ નવડાવ્યો.

વડોદરાનાં વેપારી પાસેથી 4 શખ્શો દ્વારા 82.72 લાખ રૂપિયાની છેંતરપીંડી આચરી હતી. આ મામલે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

  • વડોદરાના વેપારી પાસેથી 4 શખ્શોએ રૂા. 82.72 લાખની છેંતરપીંડી આચરી
  •  વડોદરા સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી 
  • મને વિશ્વાસમાં લઈ ટાસ્ક માટે રૂપિયા લેવાનું શરૂ કર્યુંઃ વેપારી

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રહેતા એક વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓે તા. 30 ડિસેમ્બરનાં રોજ વ્હોટ્એપ નંબર પરથી મેસેજ આવ્યો હતો.  જેમાં જણાવ્યું હતું કે, હું ભારતમાંથી મિસ પૂજા બોલું છું. તેમજ હું હાલ એચસીએલ ડિજીટલ ટ્રાન્સફોર્મ કંપનીમાં કામ કરૂ છું. અમારા ઈન્ડિયામાં કામ કરૂ છુ. હું પ્રોજેક્ટ માટે તમારી સાથે કેટલીક માહિતી શેર કરવા માંગુ છું. અને તમે તમારી નોકરી છોડ્યા વગર ઘરે બેઠા કે ઓફિસથી આ પ્રોજેક્ટમાં જોડાઈ શકો છો. તેમજ તમે પાર્ટ ટાઈમ તેમજ ફુલ ટાઈમ કામ કરી શકો છો. જે બાદ મેં પાર્ટ ટાઈમ કામ કરવા માટે માહિતી માંગી હતી. 

Google મેપ પર રિવ્યૂ આપ્યું
જે બાદ મને મહિલાએ કહ્યું કે, Google મેપ પર રિવ્યૂ આપવાના રહેશે. ગૂગલ મેપ પર જઈને 5 સ્ટાર આપવાના રહેશે. જે બાદ એક કે બે મિનિટમાં તમારા નાણાં તમારા એકાઉન્ટમાં UPI દ્વારા આપવામાં આવશે. તેમજ તમે રોજના 2 થી 8 હજાર સુધી કમાઈ શકો છો તેવી લોભામણી લાલચ યુવતી દ્વારા આપવામાં આવી હતી. 5 સ્ટાર સ્ક્રીન શોર્ટ નંબર પર મોકલી આપ્યો હતો. જે બાદ સેલરી કોડમાં 150 રૂપિયા જમા થયા હતા. 

મને વિશ્વાસમાં લઈ ટાસ્ક માટે રૂપિયા લેવાનું શરૂ કર્યુંઃ વેપારી
શરૂઆતમાં મને 24 જેટલા ટાસ્ક આપ્યા બાદ મને વિશ્વાસમાં લઈ ટાસ્ક માટે રૂપિયા લેવાનું શરૂ કર્યું હતું. જે બાદ થોડા સમય બાદ લાખો રૂપિયાની પેનલ્ટીઓ લગાવી હતી. અને વીઆઈપી એકાઉન્ટ ખોલાવવા માટે 2 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જે બાદ થોડા થોડા અંતરે મારી પાસેથી 82.72 લાખ રૂપિયા પડાવ્યા હતા. જે હજુ સુધી પરત આપ્યા નથી. જેથી મેં સાયબર ક્રાઈમ પોલીસે સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. 

આ સમગ્ર બાબતે ફરિયાદીએ વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તેમજ કોઈપણ પ્રકારના ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર ન કરવાની વડોદરા સાયબર ક્રાઈમ પોલીસે અપીલ કરી હતી.