ગોંડલ રોડ ચોકડી પાછળ રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતાં ૩૫ વર્ષના યુવાનની હત્યા

રાજકોટ, શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ગોંડલ રોડ ચોકડી પાછળ રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતાં ૩૫ વર્ષના યુવાનને રાતે તેના ઘર નજીક રિધી સિધીના નાલા પાસે ઢેબર રોડના ખુણે ઇંડાની લારી ખાતે નાસ્તો કરતો હતો ત્યારે ત્યાં હાજર ગઢવી શખ્સે ઝઘડો કરી છરીથી હુમલો કરી પેટ, પડખા, વાંસાના ભાગે છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી. ‘તમે બહુ ફાટી ગયા છો’ તેમ કહી આરોપીના સમાજ વિશે અપમાનિત કરતા બોલાચાલી થઇ હતી અને વાત હત્યા સુધી પહોંચી ગઇ હતી.

ગોંડલ રોડ ચોકડી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતાં સંજયભાઇ મહેશભાઇ મારડીયા (ઉ.વ.૩૫) નામના કેટરર્સના ધંધાર્થી યુવાન રાતે સવા નવેક વાગ્યે પોતાના ઘર નજીક રિધી સિધીના નાલા પાસે ઢેબર રોડના ખુણે નટરાજ દૂકાન સામે આવેલી ઇંડાની લારી ખાતે નાસ્તો કરવા ગયો હતો. જ્યાં તેના પર ભરતદાન જેઠાદાન ગઢવી નામના શખ્સે છરીથી હુમલો કરી પેટ, પડખાના ભાગે અને વાંસાના ભાગે ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ થઇ ઢળી પડયો હતો. બનાવને પગલે નાસભાગ મચી ગઇ હતી.

બનાવની જાણ થતાં સંજયભાઇના પત્નિ હીનાબેન તથા બીજા સગા સંબંધીઓ, પડોશીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં અને સંજયભાઇને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. હત્યાની ઘટનાની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે ઘટના સ્થળે કાર્યવાહી કરી હોસ્પિટલ ખાતે પહોંચી હત્યાનો ભોગ બનેલા સંજયભાઇ મારડીયાના પત્નિ હીનાબેન મારડીયા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી ભરતદાન જેઠાદાન ગઢવી વિરૂધ આઇપીસી ૩૦૨, ૧૩૫(૧) મુજબ હત્યાનો ગુનો નોંયો હતો. જો કે બનાવ બન્તાની સાથે જ પોલીસની અલગ અલગ ટિમો કામે લાગી જવા પામી હતી અને ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હત્યાનો ભોગ બનનાર સંજયભાઇ મારડીયા ઇંડાની લારીએ નાસ્તો કરવા બેઠો હતો ત્યારે આરોપી ભરતદાન પણ ત્યાં હાજર હતો. બંને એક બીજાથી પરિચીત હતાં. આ વખતે સંજયભાઇએ વાત વાતમાં તુકારો દેતાં અને ‘તમે ગઢવી બહુ ફાટી ગયા છો’’ તેવા વેણ કહેતાં ભરતદાન ઉશ્કેરાઇ ગયો હતો અને છરી કાઢી સંજયભાઇને પેટ, પડખા, વાંસામાં ઘા ઝીંકી દીધા હતાં. આ ઘા જીવલેણ સાબીત થયા હતાં અને સંજયનું મોત નીપજ્યું હતું.

હત્યાનો ભોગ બનનાર સંજયભાઇ મહેશભાઇ મારડીયા મુળ ગોંડલના વાસાવડનો વતની હતો. તેણે બાર વર્ષ પહેલા હીનાબેન સાથે લવમેરેજ કર્યા હતાં. લગ્ન બાદ તે પત્નિ સાથે રાજકોટ સ્થાયી થયો હતો અને સમય કેટરર્સ નામે કેટરીંગનો ધંધો કરી ગુજરાન ચલાવતો હતો. તે ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો. સંજયભાઇની હત્યાથી એક પુત્ર પર્વ (ઉ.વ.૮) અને એક પુત્રી નાયરા (ઉ.વ.૫)એ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. સંજયભાઇના માતા મુક્તાબેન અને પિતા ડાયાભાઇ મારડીયા વતન ગોંડલના વાસાવડ ખાતે રહે છે. બનાવની જાણ થતાં તેઓ અને બીજા સગા સંબંધીઓ રાજકોટ દોડી આવ્યા હતાં. પોલીસે સવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.