ગોંડલની સ્કૂલમાં વિદ્યાથનીની જાતીય સતામણી કરનાર શિક્ષિકાને ૫ વર્ષની સજા ફટકારતી અદાલત

રાજકોટ,

ગોંડલની સ્કૂલમાં વિદ્યાથનીની જાતીય સતામણી કરનાર શિક્ષિકાને કોર્ટે ૫ વર્ષની સજા ફટકારી છે. જસદણ પંથકની ધો.૯ની વિદ્યાથનીને શિક્ષિકા નીલીમા ફ્રાન્સિસ તેના રૂમમાં લઈ જઈ શારીરિક અડપલાં કરતી અને કોઈને કહીશ તો ઓછા માર્ક્સ આપીશ તેવી ધમકી આપતા સગીરાએ પિતાને જણાવતા મામલો ખુલ્લો પડ્યો હતો.

રાજકોટની સ્પેશ્યલ પોક્સો કોર્ટે સરકારી વકીલની દલીલ માન્ય રાખી આ મામલાને સમાજ વિરોધી ગુનો ગણાવી સજા ઉપરાંત શિક્ષિકાને ૫૦,૦૦૦નો દંડ પણ ફટકાર્યો છે.

આ કેસની વિગત એવી છે કે આંબરડી, ગઢાળા, જસદણ મુકામે રહેતી ભોગ બનનાર ગોંડલ મુકામે આવેલ નવવિદ્યાન સ્કુલમાં વર્ષ ૨૦૧૯માં અભ્યાસ કરતી હતી તે સમયે તેણીની ઉંમર ૧પ વર્ષની હતી. આરોપી નીલીમા ફાન્સિસ(રહે. સુરતગઢ, જિ. ગંગાનગર, રાજસ્થાન) તે સમયે સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. શિક્ષિકા દ્વારા ભોગ બનનારને અવારનવાર રૂમમાં બોલાવી તેણીની જાતીય સતામણી તેમજ છેડતી કરવામાં આવતી હતી અને ભોગ બનનાર દ્વારા જાતીય સતામણીનો વિરોધ કરવામાં આવે તો તેવા સમયે આરોપી શિક્ષિકા દ્વારા ભોગ બનનારને તારૂ અપહરણ કરી લઇ જઇશ અને પરીક્ષામાં ઓછા માર્કસ આપીશ તેવી ધમકી આપવામાં આવતી હતી અને આમ ભોગ બનનારની અવારનવાર જાતીય સતામણી કરવામાં આવતી હતી

જેથી ભોગ બનનારે આ અંગેની ફરીયાદ તેના પિતાને કરતા તેના પિતાએ આરોપી શિક્ષિકા સામે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે શિક્ષિકા નિલિમા વિરૂધ ગુન્હો દાખલ કરેલો જે કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ આબીદ સોસન હાજર રહી કેસ ચલાવેલો અને કેસમાં ભોગ બનનાર સાથે થયેલા કૃત્યો અંગે દસ્તાવેજી પુરાવા રજુ રાખવામાં આવેલા અને આરોપી શિક્ષિકા વિરૂધ કોર્ટમાં સરકાર તરફે કેસ સાબિત કરવામાં આવેલો તેમજ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો અને રજૂ રાખવામાં આવેલ દસ્તાવેજી પુરાવાને યાને લેતા પોક્સો કોર્ટના સ્પે. જજ એ.વી.હીરપરાએ શિક્ષિકા નિલિમા ફાન્સિસને દોષિત ઠેરવેલ.વધુમાં સરકાર તરફે સરકારી વકીલની સજા અંગેની દલીલમાં મહત્વની દલીલ એવી હતી કે આ કેસમાં ભોગ બનનાર અને આરોપી વચ્ચે ગુરૂ-શિષ્યનો સંબંધ હોય અને સમાજમાં આ સંબંધને ખુબ જ પૂજનીય ગણવામાં આવતો હોવા છતાં આરોપી દ્વારા આ કૃત્યને સમાજ વિરોધી કૃત્ય ગણી પોક્સો કોર્ટે આરોપીને આઇપીસી કલમ ૩૬૩ હેઠળ પ વર્ષ તથા ૨૦,૦૦૦નો દંડ પોક્સો કલમ ૮માં ૪ વર્ષ તથા ૨૦,૦૦૦નો દંડ અને પોક્સો કલમ ૧રમાં દોઢ વર્ષ તથા ૧૦,૦૦૦ના દંડની સજા કરેલી. ઉપરોક્ત કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ આબીદ સોસન રોકાયેલા હતા.