ગોંડલમાં વહેલી સવારે તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યા

રાજકોટ, ગોંડલમાં વહેલી સવારે તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી સાગર રાજુભાઈ મેવાડા ઉ.વ.૨૮ નામના યુવાનની કરપીણ હત્યા કરાયાની ઘટના બનતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી.

બનાવના પગલે પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા.આરોપીઓની ઓળખ કરવા અને હત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરાઈ છે. બનાવની વિગત મુજબ આજે વહેલી સવારે ગોંડલના બસ સ્ટેશન પાસે ડીલક્સ પાન નામની દુકાને સાગર રાજુભાઈ મેવાડા ઉ.વ.૨૮ લોહીલોહાણ હાલતમાં તેને સારવારમાં ખસેડાયો છે તેવી માહીતી મળતા ગોંડલ પોલીસની ટીમ દોડી ગઈ હતી. સારવાર દરમ્યાન યુવકને મૃત જાહેર કરાતા બનાવ હત્યાનો હોવાથી પોલીસ અધિકારીઓ પણ દોડી ગયા હતા. સુત્રોના જણાવ્યા મુજબ સાગર ગોંડલ બસ સ્ટેશન પાસે જયાં બનાવ બન્યો તે ડીલક્સ પાનની દુકાન ચલાવતો હતો અને ગોંડલની ઊંબાળા ચોકડી ખાતે રહેતો હતો. હાલ પોલીસે ફરીયાદ નોંધવા તજવીજ કરી છે અને હત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરાઈ છે.

ગોંડલમાં સાગર મેવાડાની હત્યા બાબતે પોલીસે તપાસ હાથ ધરતા હાલ શકમંદ તરીકે સસ્પેન્ડેડ હોમગાર્ડ ઘનશ્યામ રસીક પરમારની અટકાયત કરી લેવામાં આવી છે. ઘનશ્યામને સાગર સાથે અગાઉ માથાકૂટ થઇ હોવાથી તે ઝઘડાનો ખરા રાખીને હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે. ઉલ્લેખનીય છે કે સાગર પાનની દુકાન ચલાવતો હતો તેને સંતાનમાં બે દિકરીઓ છે, બે દિકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો છે.