ગોંડલ: કાર અને ટ્રક ધડાકાભેર અથડાતા, યુવક-યુવતીનાં મોત

રાજકોટ,

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભુણાવા પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ભુણાવા પાસે વહેલી સવારે ટાટા કંપનીની હેરિયર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનામાં એક યુવક અને યુવતીનું મોત નિપજ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજરોજ વહેલી સવારે રાજકોટથી ગોંડલ જઈ રહેલા હર્ષ ભરતભાઈ ભાલાળા અને એક યુવતીનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. રાજકોટથી ગોંડલ જઈ રહેલા હર્ષ ભાલાળા ટાટા કંપનીની હેરિયર કારમાં સવાર હતા. આ સમયે રીબડાથી આગળના ભાગે જતા ભુણાવા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી હતી.

ઘટના સ્થળ ઉપર કારચાલક હર્ષ ભરતભાઈ ભાલાળાનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે કે, એક અજાણી યુવતીને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર અકસ્માતનો બનાવ કઈ રીતે બન્યો તે બાબતે, ટ્રક ચાલકની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે.