રાજકોટ એસએમસીએ ગોંડલ તાલુકાનાં ભોજપુરા ગામમાં રામાપીર મંદિર પાસે ૧૦૦૦ થી વધુની દારૂની બોટલ કબ્જે કરી કુલ રૂપિયા ૭ લાખથી વધુનો માલ ઝડપી પાડ્યો છે. ૫ ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા છે.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દરરોજ દારૂની હેરાફેરીના કિસ્સા સામે આવે છે. પરંતુ ગુજરાત પોલીસ રાજ્યને દારૂમુક્ત રાખવા કટિબદ્ધ જણાઈ રહી છે. રાજકોટ જીલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલે ગોંડલ તાલુકામાં ભોજપુરા ગામમાં બાતમીના આધારે રામાપીર મંદિર પાસે વોચ રાખી હતી, દરમિયાન એક વાહન ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. શંકાના આધારે એસએમસીએ પોલીસે પીકઅપવાનને ઝડપી ૫ ઈસમોને ઝડપવાનો પ્રાસ કર્યો હતો. જોકે, ૫ ઈસમો ત્યાંથી નાસી છુટ્યા હતા.
એસએમસીએ દારૂની ૧૪૧૮ બોટલ કબ્જે કરી છે, જેની કિંમત રૂપિયા ૪ લાખ ૯૮ હજાર ૭૦૭ રૂપિયા છે. વધુમાં એક પીકઅપ વાનને પણ ઝડપી છે જેની કિંમત રૂપિયા ૩ લાખ થાય છે. કુલ ૭ લાખ ૯૮ હજાર ૭૦૭ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
થોડા દિવસ અગાઉ સોલામાં એસ.જી.હાઈવે પર ભાગવત વિદ્યાપીઠ બ્રિજ નીચેથી કારમાં દારૂ ભરીને વઈ જવાતો હોવાની માહિતી એસએમસીના અધિકારીઓને મળી હતી. જેથી બાતમીના આધારે એસએમસીએ બ્રિજ પાસે જાળ બિછાવી હતી. જેમાં પોલીસે કાર અટકાવીને તેમાંથી રૂપિયા ૨ લાખ ૩૬ હજાર ૭૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસે દારૂ અને કાર મળીને કુલ રૂપિયા ૧૦ લાખ ૬૬ હજાર ૭૦૦ની કિંમતનો મુદ્દામાલ ઝડપ્યો છે.
બનાસકાંઠામાં અમીરગઢ પાસે કોરોના હોટલ નજીક એસએમસીએ બાતમીના આધારે જાળ બિછાવીને આરોપીને ઝડપવાની કવાયત હાથ ધરી હતી. રેઈડ કરતા કારમાં અંદરથી રૂપિયા ૧ લાખ ૬૫ હજાર ૨૪૪ની કિંમતનો દારૂ, મોબાઈલ, રોકડ અને કાર મળીને કુલ રૂપિયા ૬ લાખ ૭૦ હજાર ૩૪૪નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમાં એસએમસીએ બનાસકાંઠાના દારૂનો ધંધો કરનારા મુખ્ય આરોપી મહેશ્ર્વરા વી. વાઘેલાની ધરપકડ કરી હતી. જ્યારે પાંચ ફરાર આરોપીની શોધ હાથ ધરી હતી.