- સોનાના ભાવમાં તોફાની તેજી
- સોનાનો ભાવ ઓલટાઈમ હાઈ
- સોનાનો ભાવ રૂ.62,000ને પાર
આજે ફરી સોનાના ભાવમાં તોફાની તેજી વચ્ચે ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. અમદાવાદમાં 24 કેટેર સોનાનો ભાવ 62,230 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચ્યો છે. જેને લઈને સોનું સામાન્ય માણસ માટે હવે સપના સમાન બની રહે તેવો ઘાટ સર્જાયો છે
સોનાની તમામ વસ્તુઓની ચળકાટ જોતા સૌ કોઈ તેને લેવા લલચાય જાય છે, પણ જ્યારે આ જ વસ્તુઓના ભાવ સાંભળીએ ત્યારે હાજા ગગડી જાય તેવી સ્થિતિ થઈ છે. સોનાના ભાવ 63 હજાર નજીક પહોંચવા આવ્યા છે. હવે સ્થિતિ એવી આવીને ઉભી છે કે સોનુ ખરીદવાની ઈચ્છા હોવા છતા લોકોની ખરીદશક્તિ ઓછી થઈ ગઈ છે.
62 હજારને વટાવી ગયો સોનાનો ભાવ
સોનાના ભાવે આજે તમામ હદ વટાવી દીધી છે. પરિણામે આજે અમદાવાદમાં સોનાના ભાવમાં તોફાની તેજી વચ્ચે ભાવ ઓલ ટાઈમ હાઈ 62,230 પર પહોચ્યા છે. બીજી તરફ ચાંદીમાં પણ ઉછાળો આવ્યો છે અને ચાંદી 75,282 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર છે.
ચાંદીના ભાવમાં પણ ઉછાળો
બુધવારે સોનું 627 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થઇને મોંઘવારીના નવા રેકોર્ડ 61,044 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. આ પહેલા સોનાનો સૌથી વધુ ભાવ રૂ.60,880 હતો. જ્યારે મંગળવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનું 249 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું હતું અને 60,417 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયું હતું. બુધવારે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાયો હતો. બુધવારે ચાંદી 1056 રૂપિયાના જોરદાર ઉછાળા સાથે 75282 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
22 અને 24 કેરેટ સોનાના તાજા ભાવ
આજે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 5,705 રૂપિયા પ્રતિ ગ્રામ છે. એટલે કે અમદાવાદમાં 22 કેરેટના એક તોલા સાનાનો ભાવ 57,050 રૂપિયા બોલાઈ રહ્યો છે. જ્યારે 24 કેટેરની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેટેર સોનાનો ભાવ 6,223 રૂપિયા પ્રતિ ગ્રામ બોલાઇ રહ્યો છે. એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ 62,230 રૂપિયાએ પહોંચ્યો છે.
અત્યાર સુધીનો સોનાનો સૌથી ઉંચો ભાવ નોધાયો
એટલું જ નહીં વિશ્વબજારનો માહોલ જોતાં આગામી સમયમાં પણ સોનાના ભાવ હજુ વધારો યથાવાત રહે તેવું જાણવા મળી રહ્યું છે. દિવાળી સુધીમાં સોનાના ભાવ રૂ.70 હજાર થાય તેવુ નિષ્ણાંતો માની રહ્યા છે. જ્યારે ચાંદીનો ભાવ રૂ.85 હજાર થવાના ભણકારા વાગી રહ્યા છે.
રોકાણનો બેસ્ટ વિકલ્પ છે સોનુ
ઉલ્લેખનીય છે કે, મોટાભાગના દાગીના 22 કેરેટ ગોલ્ડમાં કરાવવામાં આવતા હોય છે ત્યારે 22 કેરેટ સોનાનો ભાવ 57,000 આસપાસ જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં નોંધાતા વધારા વચ્ચે આજના ભાવ આસમાનને આંબી જતા રોકાણકારો મૂંઝાયા છે. સાથે રેગ્યુલર ખરીદી કરતાં લોકોએ પણ સોનું ખરીદવાનું માંડી વાળ્યું છે! હાલની સ્થિતિએ વિશ્વ બજારમાં ચાલતા સખળડખડ વચ્ચે સોનાને રોકાણ માટે સૌથી બેસ્ટ વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. જેને લઈને રોકાણકારો સોના તરફ વળ્યા છે આથી સોનાના ભાવમાં વધારો નોંધાઇ રહ્યો છે.