ગોલ્ડ મેડલ જીતનાર અરશદ નદીમની આતંકી સંગઠનના નેતાઓ સાથે મુલાકાત,વિવાદ ઉભો થયો

ઓલિમ્પિક ૨૦૨૪માં પાકિસ્તાન માટે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનાર અરશદ નદીમ ચર્ચામાં આવ્યો છે. ગોલ્ડ મેડલ વિજેતા અરશદ નદીમ આતંકવાદી સંગઠનના નેતાઓ સાથે મુલાકાત જોવા મળ્યો હતો. પેરિસમાં ગોલ્ડ જીત્યા બાદ અરશદની વિશ્ર્વભરમાં પ્રશંસા થઈ હતી. ભારતમાં પણ ઓલિમ્પિક રેકોર્ડ બનાવવા અને ગોલ્ડ મેડલ જીતવા બદલ અરશદના વખાણ થયા હતા, પરંતુ હવે નદીમ આતંકવાદી સંગઠનના નેતાઓ સાથે મુલાકાત કરીને ચર્ચામાં આવી ગયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં અરશદ નદીમ અમેરિકા દ્વારા આતંકવાદી જાહેર કરાયેલ વ્યક્તિ સાથે વાત કરતો જોવા મળ્યો હતો.

એક રિપોર્ટ અનુસાર, વીડિયોમાં અરશદ જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છે તે મોહમ્મદ હારિસ ડાર છે. ભારતીય સુરક્ષા ગ્રીડના સૂત્રોના જણાવ્યા અનુસાર, હારિસ ડાર પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૌયબાના રાજકીય મોરચા મિલ્લી મુસ્લિમ લીગના સંયુક્ત સચિવ છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે અરશદની આતંકી સંગઠનના નેતાઓ સાથે મુલાકાત પેરિસ ઓલિમ્પિકમાંથી ગોલ્ડ મેડલ જીત્યા બાદ પરત ફર્યા બાદ થઈ હતી. જો કે, બેઠક ક્યારે થઇ તેની તારીખ અને સમય હજુ જાહેર કરવામાં આવ્યો નથી. મિલ્લી મુસ્લિમ લીગ હાફિઝ સઈઝ દ્વારા રચાયેલ સંગઠન છે. હાફિઝ સઈદ ૨૦૦૮ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવાય છે, જેમાં ૧૬૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

૨૦૧૮માં યુએસ ટ્રેઝરી વિભાગે ખાસ કરીને ૭ વૈશ્ર્વિક આતંકવાદીઓને નિયુક્ત કર્યા હતા. આ યાદીમાં એમએમએલ પ્રમુખ સૈફુલ્લાહ ખાલિદ, મુઝમ્મિલ ઈકબાલ સાશિમી, હારિસ ડાર, તાબિશ કયૂમ, ફૈયાઝ અહમદ, ફૈઝલ નદીમ અને મોહમ્મદ અહસાનનો સમાવેશ થાય છે. તેઓ લશ્કર-એ-તૌયબા તરફથી કામ કરે તેવી શંકા છે. એમએમએલ ૨૦૧૭માં હાફિઝ સઇદ દ્વારા બનાવવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે એમએમએલ ચૂંટણી લડશે, પરંતુ અમેરિકાના પ્રતિબંધો બાદ તેને ક્યારેય રાજકીય પાર્ટી તરીકે રજિસ્ટર કરવામાં આવી નહીં.