ભંડારિયા : ગોહિલવાડના સુપ્રસિધ્ધ શક્તિધામ ભંડારિયાના બહુચરાજી માતાજીના મંદિરે આસો નવરાત્રી મહોત્સવની સંપૂર્ણ શાસ્ત્રોક્ત રીતે ઉજવણી કરવાનું પરંપરાગત આયોજન હાથ ધરાયુ છે. નવરાત્રી ઉત્સવમાં હજજારો ભાવિકો માતાજીના દર્શનાથે ઉમટી પડશે જે માટે હાલ વિવિધ વિભાગોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને માઈભકતોમાં ભારે ઉમંગ અને ઉત્સાહ પ્રવર્તિ રહ્યો છે.
ભંડારિયાનું બહુચરાજી મંદિર એ સૌરાષ્ટ્રના પ્રાચીન સ્થળોમાંનું એક પ્રસિદ્ધ સ્થળ છે.અહીં આસો સુદ નવરાત્રી ઉત્સવની ઉજવણીની આગવી પરંપરા રહી છે. જેમાં માણેકચોકમાં આવેલ શક્તિ થિયેટરમાં સુશોભીત મંડપમાં નવ રાતના જાગ કરવા, રાસ-ગરબા, ભવાઈ, નાટકો ઇત્યાદી કાર્યક્રમો પરંપરાગત રાખેલ છે. આસો સુદ-૧ને રવિવાર, આગામી તા.૧૫ ઓકટોબરના સવારે ૯ કલાકે માતાજીની ગરબી નીજ મંદિરેથી વાજતે ગાજતે માણેક ચોકમાં પધરાવવામાં આવશે. બહુચરાજી મંદિરે નવરાત્રી મહોત્સવમાં હજજારો ભાવિકો સામેલ થતા હોય છે આથી દિવસો અગાઉથી તૈયારીઓ હાથ ધરાઈ છે. બહુચરાજી મંદિર ટ્રસ્ટના આયોજન તળે જુદા-જુદા વિભાગોમાં સ્વયંસેવકો સેવાકાર્યમાં જોડાઈ નવરાત્રી મહોત્સવ સુપેરે પાર પાડે છે. નવરાત્રિ મહોત્સવમાં દર્શન પ્રસાદનો લાભ લેવા ભંડારિયા બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નિમંત્રણ અપાયું છે. ભંડારિયામાં આ ઉપરાંત પ્રગટનાથ બહુચરાજી મંદિર, મેલડી માતાજી મંદિર અને સોંડાય માતાજી મંદિર દ્વારા પણ નવરાત્રિ ઉત્સવની ઉજવણીનું આયોજન પરંપરાગત રીતે કરાયું છે. અને ગામની મુખ્ય બજાર તથા ચોકમાં રોશનીનો ઝગમગાટ કરાશે હાલ તે અંગે તડામાર તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે.
નવરાત્રી મહોત્સવ દરમિયાન ભૂંગળના સુમધુર સુરો સાથે સાયં આરતી દરરોજ રાત્રીના ૭.૫૦ કલાકે ભવ્ય અને દિવ્ય રીતે થશે જેનો લાભ લેવો એક લ્હાવો હોય તેથી નવરાત્રિ દરમિયાન દરરોજ સાયં આરતી ટાણે આબાલવૃધ્ધ ભાવિકોની ભારે ભીડ દ્રશ્યમાન થાય છે.