ગૌહાટી એરપોર્ટ પાસે ભારતીય સેનાની વર્દી પહેરી ફરતા ૧૧ શંકાસ્પદ વ્યક્તિઓ પકડાયા

ગૌહાટી , આસામ પોલીસે ગૌહાટીના એરપોર્ટ પાસેથી સેનાની વર્દી પહેરીને પેટ્રોલિંગ કરી રહેલા ૧૧ લોકોની પોલીસે ધરપકડ કરી છે . પોલીસના કહેવા પ્રમાણે પેટ્રોલિંગ કરવા નિકળેલી પોલીસ ટુકડીને સૈનિકોના યુનિફોર્મ પહેરેલા કેટલાક લોકોની હિલચાલ શંકાસ્પદ લાગી હતી . 

તેમની ચાલવાની સ્ટાઈલથી શંકા ગઈ હતી . એ પછી તેમને પૂછપરછ માટે પોલીસ મથકમાં લઈ જવાયા હતા . તપાસ દરમિયાન આ તમામ વ્યક્તિઓને સેના સાથે કોઈ લેવા દેવા નહીં હોવાનુ જાણવા મળ્યુ હતુ . પોલીસે તેમની પાસેથી પાંચ બાઈક અને એક ફોર વ્હિલર પણ જપ્ત કર્યુ છે . આમાંથી એક વિદ્યાર્થી ડેન્ટલનો છે . તેણે બીજા ૧૦ને વાયુસેનાના ચોથા વર્ગના કર્મચારીઓના બોગસ આઈકાર્ડ આપ્યા હતા અને એ પછી તેમને એરપોર્ટ ખાતે પેટ્રોલિંગ કરવા માટે લાવવામાં આવ્યા હતા . અહીંયા વાયુસેનાનુ બેઝ પણ છે . આ તમામની ધરપકડ કરવામાં આવી છે અને તેમનો સેનાનો યુનિફોર્મ પહેરીને એરપોર્ટ પર આવવાનો ઈરાદો શું હતો તેની પૂછપરછ ચાલી રહી છે . આ વ્યક્તિઓ પાછળ કોઈ સંગઠનનો હાથ છે કે નહી તેની પણ પોલીસ તપાસ કરી રહી છે . ઉલ્લેખનીય છે કે , ભૂતકાળમાં આતંકવાદીઓએ આ જ રીતે આર્મી જવાનો જેવા કપડા પહેરીને ઉરી ખાતે સેનાના કેમ્પ પર હુમલો કર્યો હતો