ગોધરા,ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાં તલવાર સાથે આવેલા અસામાજીક તત્વો પાનના ગલ્લામાંથી લૂંટ ચલાવીને ફરાર થઈ જતાં શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે.
ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાં રહેતા ભગવતસિંહ મોહનસિંહ સોલંકીએ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓનો ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાં ભગત પાન સેન્ટર નામનો પાનનો ગલ્લો આવેલો છે. ત્યારે થોડા સમય અગાઉ તેઓના ગલ્લા સામે આવેલી દુકાનના કેટલાક ઈસમો બેસીને બૂમાબૂમ તેમજ ગાળાગાળી કરતા હતા. જેને લઇને ભગવતસિંહને તેઓ સાથે બોલાચાલી થઇ હતી. જેની અદાવત રાખીને ગત 8 તારીખે સાંજના સમયે રફીક ઇબ્રાહિમ ઉર્ફે રફીક ચમડો, જબ્બાર મહેબૂબ પઠાણ, મોહસીન કાલું ખાન પઠાણ અને સલમાન દસ્તગીર રલિયા નામના ઈસમો તલવાર અને ચપ્પુ લઈને ભગત પાન સેન્ટર પર આવ્યા હતા અને જણાવ્યું હતું કે તું અમને કાલે અહીંયા બેસવાની કેમ ના પાડતો હતો, તારા બાપની જગ્યા છે, તેમ જણાવી તલવાર પછાડીને દુકાનનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો, તેમજ રફીક ચમડો નામના ઈસમે કેબીનનું કાઉન્ટર ખોલીને વકરાના રૂ.3800 લૂંટી લીધા હતા અને ધમકી આપતા જણાવ્યું હતું કે આજે બચી ગયો છે. હવે બેસવાની ના પાડી તો રોજ લૂંટી લઈશું તેમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી નાશી છૂટયા હતા. ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને અસામાજીક તત્ત્વોની શોધખોળ હાથ ધરી છે.