- ગુજરાત હાઇકોર્ટ ના ફટકાર બાદ હવે દાહોદ કલેકટરાય કચેરીના મહેસુલી તંત્રના સત્તાધીશો એ વિવાદિત જમીન પ્રકરણોમાં કસુવાર સત્તાધીશો સામે કાયદેસર કાર્યવાહીઓ હાથ ધરે એવા સંકેતો.
દાહોદમાં નકલી બીનખેતીના હુકમોના આધારે સરકારના કરોડો રૂપિયાના પ્રીમિયમની ચોરી કરીને ખેતીની જમીન બારોબાર બીનખેતીમાં ફેરવી દઈને દાહોદ સીટી સર્વે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરાવી દેવાના અને આ પ્રોપર્ટી કાર્ડના આધારે પ્લોટો અને ફલેટો દુકાનોના વેચાણ દસ્તાવેજો કરી આપવાના શૈષવ પરીખ આણી મંડળી ભૂ-માફીયાઓના બહાર આવેલા માસ્ટર માઈન્ડ કરતુંકો થી ખુદ ગુજરાત સરકારનું મહેસૂલી તંત્ર હચમચી ગયું છે અને દાહોદ પોલીસ તંત્ર પણ ભૂ-માફીયાઓના આ ગોરખધંધાઓ સામે તપાસો કરવા સજજ છે.
આ ઘટનાક્રમ વચ્ચે શહેરના ગોદી રોડ ઉપર આવેલ 7600 ચોરસ મીટરની રેલ્વે તંત્રની માલિકીની ખેતીના ફાઇનલ પ્લોટોની આ જમીનોમાં દાહોદ સીટી સર્વે કચેરીમાં જનરેટ થયેલા પ્રોપર્ટી કાર્ડના આધારે કરાયેલા વ્યાપારો સામે દાહોદ મામલતદાર દ્વારા ખેડૂત ખરાઈ અને બિનખેતીના હુકમ બાબતમાં 16 જેટલા રહીશો ને આધાર પુરાવાઓ સાથે હાજર રહેવાની નોટીસો ફટકારી હતી. એમાં દાહોદ સબ જેલમાં બંધ રહેલા શૈષવ પરિખનો પણ સમાવેશ થાય છે.
જો કે, દાહોદ મામલતદારની આ નોટીસ સામે એક અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરીને પડકાર ફેંકવામાં આવતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ પ્રકારના જમીન પ્રકરણોમાં દાહોદ મહેસુલી તંત્રના સત્તાધીશો એ શું કર્યું ? અને સંબંધિત અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવાની ગુજરાત હાઇકોર્ટ દ્વારા આકરી ટકોર કરવામાં આવતા દાહોદ કલેકટરાય કચેરી ના મહેસૂલી તંત્રના સત્તાધીશોમાં એક પ્રકારના ભયનો સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. અને હવે ગોદી રોડના આ વિવાદીત જમીન પ્રકરણ થી લઈને ભૂ-માફીયાઓના નકલી બિન ખેતીના હુકમો બારોબાર દાહોદ સીટી સર્વે કચેરીમાં રજૂ કરીને પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરાવી દેવાના આ ઓફલાઈન વહીવટો સામે હવે દાહોદ કલેકટરાય કચેરીના સત્તાધિશો દ્વારા કાયદેસર કાર્યવાહીઓ હાથ ધરીને જે તે સમયના કસૂરવાર સત્તાધીશો સામે પણ કાયદેસર તપાસો હાથ ધરવા એટલા માટે મજબૂર બન્યા છે કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા બરાબર ની ફટકાર લગાવામાં આવી છે !
શૈષવ ના ઓફિસ બોયમાંથી બિલ્ડર બની ગયેલા રામુ પંજાબી ભૂગર્ભવાસમાંથી બહાર આવે તો ચોકાવનારા રહસ્યો બહાર આવવાની સંભાવનાઓ !
દાહોદના બહુચર્ચિત નકલી બિનખેતીના હુકમોમાં દાહોદ સબ જેલમાં કેદ રહેલા અને જામીનમુક્ત થવા માટે ધમ પછાડાઓ કરી રહેલા શૈષવ પરીખના એક સમયના ઓફિસ બોય કહેવાતા અને પાછળથી સત્તાધીશોના ખાસ બનીને બિલ્ડર બની ગયેલા ગોદી રોડ ઉપર રહેતા રામકુમાર સેવકરામ પંજાબી એટલે કે રામુ પંજાબીને શોધવા માટે દાહોદ પોલીસ તંત્રની તપાસ ટીમો ભારે શોધખોળ કરી રહી છે. પરંતુ શૈષવ પરીખની ધરપકડ સાથે ભૂગર્ભમાં સરકી ગયેલ રામુ પંજાબીને પોલીસ તંત્રની ટીમો હજુ સુધી શોધી શકી નથી. જો કે ભેજાબાજ શૈશવ પરીખના જમીનોના કારોબારો અને હિસાબ કિતાબોની લેવડ દેવડો થી લઈને દરેક પ્રકારની સરભરાઓમાં ખાસ બનીને રામુ પંજાબીની ભૂમિકાઓ હંમેશા અગ્રેસર રહેતી હતી. આ રામુ પંજાબી અત્યારે ભૂગર્ભમાં સરકી ગયો છે. જોકે, રામુ પંજાબી પોલીસ તંત્રની ઝપટમાં આવી જાય તો ઘણા બધા ચોકાવનારા પ્રકરણો અને ગુપ્ત હકીકતો બહાર આવવાની સંભાવનાઓ છે.