ગોધરા શહેરના મુખ્ય હાર્દ સમા રસ્તા ઉપર ઠેરઠેર ખાડા રાજ વાહન લઈ પસાર થતાંં કમર અને પીઠનો દુ:ખાવો થઈ જાય છે.

  • પાલિકા તંત્ર રસ્તા ઉપર પડેલ ખાડાઓનું પુરણ કરાવાશે ખરું ?

ગોધરા શહેરમાં ભારે વરસાદને લઈ રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા રસ્તાઓની હાલત ખખડધજ બની છે. શહેરના રસ્તાઓ ઉપર હાલ પાકા રસ્તા કરતાં ખાડાઓ વધારે હોય તેવી સ્થિતી નિર્માણ થઈ છે. સામાન્ય દિવસોમાં પણ રસ્તાઓ ખખડધજ હાલતમાં હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા રસ્તાઓની મરામત માટે ધ્યાન આપ્યું નથી પરંતુ હાલ ભારે વરસાદને કારણે રસ્તા ઉપર ખાડા પડેલ છે. જેને લઈ વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ગોૂધરા શહેરમાં ભારે વરસાદને લઈ રસ્તા ઉપર પાણી ભરાઈ જવાને લઈ રસ્તાઓ ઉપર ઢીંચણ સુધીના ખાડાઓ પડી ગયા છે. તેમાં પણ બસ સ્ટેશનથી બગીચા રોડ, ગીદવાણી રોડ થી રેલ્વે સ્ટેશન, કલાલ દરવાજા નગર પાલિકા થી લઈ સૈયદવાળા, સ્વામીનારાયણ મંદિર થી શહેરા ભાગોળ પેટ્રોલ પંપ, તળાવ થી બાવાની મઢી રોડ, પાંજરાપોળ ચાંચર ચોક સહિતના શહેરના મુખ્ય ગણાતા રસ્તા ઉપર જે પ્રમાણે ખાડાઓ પડયા છે. જેને લઈ દ્વિચક્રી વાહન ચાલકો, ફોર વ્હીલ ચાલક, રીક્ષા ચાલકો, રાહદારીઓને રસ્તા ઉપર પસાર થવામાંં હાલાકી વેઠવી પડી છે.

ગોધરાના બામરોલી રોડ ઉપરથી જો દિવસમાં બે વખત વાહન લઈને પસાર થાવ તો કમરનો દુ:ખાવો થઈ જાય છે. તેમાં પણ હાલ ચોમાસાની સીજન હોવાથી રસ્તા ઉપર પડેલ ખાડાઓમાં વરસાદી પાણી ભરાય તો ખાડાઓ અંદાજ નહિ રહેતા હાથ પગ તોડવાનો વખત આવી શકે છે. ત્યારે ગોધરા પાલિકા તંત્ર નગરજનોને પડતી મુશ્કેલીઓને જોતા રસ્તા ઉપર પડેલ ખાડાઓનું પુરણ કરાવીને વાહન ચાલકો અને રાહદારીઓને થોડી રાહત આપે તે જરૂરી છે.

થોડા દિવસમાં ગણેશ મહોત્સવ આવતાં હોય ત્યારે ગણેશ મંડળો દ્વારા ગણપતિની મૂર્તિઓનું આગમન શરૂ થયું છે. ત્યારે શહેરના ખખડધજ અને ખાડાઓ વાળા રસ્તાને લઈ શ્રીજીની મૂર્તિઓ સ્થાપના સ્થળ સુધી જતા પહેલા ખંંડિત થઈ શકે છે. ત્યારે ગોધરા નગરજનોના હિતમાં પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારના રસ્તા ઉપર પડેલ ખાડાઓનું પૂરણ કરાવી હાલ પુરતો લોકોને થવા લાયક બનાવે તે જરૂરી છે.