ગોધરાના નદીસર ગામે વોટર વર્કસની પાણીની મોટર બળી જતાં કેટલાક ફળિયાઓમાં પાણીની ગંભીર સમસ્યા

નદીસર, ગોધરા તાલુકાના નદીસર ગામે છેલ્લા એકાદ માસથી કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો ઓછો મળતા ગંભીર સમસ્યાઓ ઉભી થઈ છે.

ગોધરા તાલુકાના નદીસર ગામના મોટુ ફળિયુ, શેઠ ફળિયુ, વાડી ફળિયુ, તેમજ હાઇસ્કુલ ફળિયુ, શેરાના મુવાડા વિસ્તારમાં છેલ્લા એક માસથી પંચાયતની વોટરવર્કસની મોટર બળી જતાં તેમજ મોટી કાંટડી પાસેથી આવતા નર્મદા કેનાલ આધારિત જુથ પાણી પુરવઠા યોજનાનો પાણી પુરવઠો ઓછો મળતા પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. આ અંગે પંચાયત સત્તાધિશોને પુછતા તેમને જણાવ્યુ હતુ કે,એક મોટર બળી જતા કુવાનુ પાણી ઉપરોકત વિસ્તારમાં આપી શકાતુ નથી. અને તલાટી મજુરી તેમજ મોટર બળી ગયેલ હોય તે રિપેર કરાવવાના નાણાં આપતા નથી. આ અંગે તલાટી સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે,વારંવાર પાણી અંગે જરૂરિયાત અને નુકસાન મુજબ નાણાં ચુકવવામાં આવ્યા છે. જયારે નર્મદા કેનાલ આધારિત જુથ યોજના પી.એમ.4નુ પાણી પણ નદીસર ખાતે તંત્રના ઉપરી અધિકારીથી લઈ લાઈન ઓપરેટર સુધી રજુઆત કરવા છતાં એક પણ દિવસ પાણી પુરા પ્રેશરથી અને જોઈતી માત્રામાં આવતુ નથી. જેથી એકાદ માસથી ઉપરોકત સમગ્ર વિસ્તાર અડધો કલાક પાણી આપીને બંધ કરવામાં આવે છે. જેથી મોટાભાગના ફળિયાઓમાં પાણી પહોંચતુ ના હોવાની ફરિયાદો ઉઠી છે. એક તરફ લગ્નસરાની સીઝન, કાળઝાળ ગરમી અને પુરતુ પાણી ના મળતા સમગ્ર વિસ્તારમાં નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ તરફ નદીસર વોટર વર્કસ કેમ્પસમાં આશરે બે માસથી પાણીનો સંપ બનાવવાની કામગીરી ખોરંભે ચઢી છે.જો વરસાદ પહેલા આ સંપ બનાવીને તેની ચો તરફ મજબુતાઈથી પુરાણ કરવામાં નહિ આવે તો કેમ્પસમાં રહેલ પાણીની ટાંકી અન્ય સંપ અને હાલ જયાંથી અન્ય ભાગોમાં પાણી આપવામાં આવે છે. તે કુવાને મોટુ નુકસાન થવાની ભિતી સેવાઈ રહી છે. આ તરફ તાત્કાલિક યુદ્ધના ધોરણે નદીસરને નર્મદાનુ પાણી પુરતી માત્રામાં અને પ્રેશરથી નહિ મળે તો નાગરિકો મતદાનથી પણ અળગા રહેશે તેવુ જાણવા મળેલ છે.