
ગોધરાના મોતીબાગ ખાતે પંચમહાલ વર્તમાનના 60માં વર્ષની ઉજવણી નિમિત્તે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. લાયન્સ ક્લબ ગોધરા અને શ્રી સેવા ઓર્ગેનાઈઝેશનના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે 8 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. કાર્યક્રમમાં એક અનોખી કોમી એકતાની મિસાલ જોવા મળી હતી. સદભાવના મિશન ક્લાસના મુસ્લિમ શિક્ષક ઈમરાનભાઈએ માતા-પિતા વિહોણી વિદ્યાર્થિની અદિતિ સોલંકીના લગ્નમાં પિતાની ભૂમિકા નિભાવી. છેલ્લા 15 વર્ષથી મફત શિક્ષણ આપતા ઈમરાનભાઈએ અદિતિને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચાડી હતી.

ગાયત્રી પરિવારના સાધકો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરાવવામાં આવ્યા. દાતાઓએ નવદંપતીઓને તિજોરી, પલંગ અને રસોડાનો સેટ ભેટમાં આપ્યો. કાર્યક્રમમાં ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી, પંચમહાલ વર્તમાનના તંત્રી પ્રદીપભાઈ સોની અને ડો. યોગેશ જોષી ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે વિશેષ રક્તદાન શિબિર અને વિનામૂલ્ય નેત્ર પરીક્ષણ શિબિરનું પણ આયોજન કરાયું. હોતચંદ ધમવાણીએ 150મી વખત રક્તદાન કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. અમેરિકા સ્થાયી શ્રી સેવા ઓર્ગેનાઈઝેશનના ફાઉન્ડર યોગેશભાઈ જોષી અને તેમના પત્ની પ્રીતિબેન જોષી નિયમિત રીતે ગોધરામાં સામાજિક પ્રવૃત્તિઓ કરે છે. સમૂહ લગ્નનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ પરિવારોને ઓછા ખર્ચે લગ્ન કરવામાં મદદરૂપ થવાનો હતો.
