ગોધરાના ગુસાંઈજી બેઠકે છપ્પન ભોગ મહોત્સવ:સવારે હોળી ચકલાથી શ્રીજીના સામૈયામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા

ગોધરાની પાવન ભૂમિ પર શ્રીમદ્દ ગોસ્વામી 108 વ્રજનાથજી મહારાજની આજ્ઞાથી ગુસાંઈજી બેઠક ખાતે રવિવારે છપ્પન ભોગ બડો મનોરથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે હોળી ચકલાથી શ્રીજીના સામૈયામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. બપોરે 3:30 કલાકે ગુંસાઇજીની બેઠક ખાતે છપ્પનભોગ-બડો મનોરથના દર્શન યોજાયા હતા.

56 ભોગમાં વ્રજકમલની ભાવના સમાયેલી છે. કમળની 8, 16 અને 32 પાંખડીઓ હોય છે. આ પાંખડીઓને વ્રજ ભક્તો અને ગોપીભાવથી ઠાકોરજીને ભોગ ધરાવવામાં આવે છે.

પૌરાણિક કથા અનુસાર, માતા યશોદા બાળકૃષ્ણને એક દિવસમાં આઠ વખત ભોજન કરાવતા હતા. એક વખત વ્રજ પર ઈન્દ્રનો પ્રકોપ ઉતર્યો અને અનરાધાર વરસાદ વરસ્યો. વ્રજવાસીઓની રક્ષા માટે ભગવાન શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઉઠાવ્યો. માત્ર સાત વર્ષના કાનુડાએ સતત 7 દિવસ સુધી અન્નજળ વિના ગોવર્ધન ધારણ કર્યો.

આખરે ઈન્દ્રે પ્રભુની ક્ષમા માંગી અને આઠમા દિવસે વરસાદ બંધ થયો. 7 દિવસ ભૂખ્યા રહેલા કૃષ્ણ માટે યશોદા માતા અને વ્રજવાસીઓએ 7 દિવસ અને 8 પ્રહરના હિસાબે (7×8=56) છપ્પન વ્યંજનો બનાવ્યા અને બાલગોપાલને ભાવથી ધરાવ્યા.આ મહોત્સવમાં ગોધરા સહિત આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવોએ દર્શનનો લાભ લીધો હતો.