
ગોધરાના ચિખોદ્રા વિસ્તારની સોસાયટીમાં મકાનોના વેચાણ દસ્તાવેજમાં ડેવલોપર દ્વારા ૧૦ કરોડની સ્ટેમ્પ ડ્યુટીની ચોરી
સ્ટેમ્પ ડ્યુટી કલેકટરે દંડ સહિત રૂ.૧.૦૫ અબજ વસુલવા બિલ્ડરને નોટિસ ફટકારી
ગોધરા,
ગોધરા શહેરના ચિખોદ્રા વિસ્તારમાં ૩૨૫ મકાનોની સ્કિમ મુકનાર બિલ્ડર દ્વારા રૂ.૧૦ કરોડની સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરી હોવાની સ્ટેમ્પ ડ્યુટી કલેકટરે સ્ટેમ્પ ડ્યુટી ના રૂપિયા દંડ સહિત વસુલવા નોટિસ આપી છે.
શહેરના ચિખોદ્રા વિસ્તારમાં આવેલી સં.નં.૩૫૦, ૩૫૧ અને ૩૫૨ની જમીન મોહંમદ ફિરદોસ અબ્દુલ હકીમ કોઠીની છે. આ જમીનમાં જમીન માલિકે ૩૨૫ રહેણાંક મકાનોની સ્કિમ મુકી તેનુ બાંધકામ કરી મકાનોનુ વેચાણ કરી દીધુ હતુ. જે મકાનના વેચાણ દસ્તાવેજમાં જમીન માલિકે ફકત જમીનની કિંમતનો જ દસ્તાવેજ કરી સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરી હોવાનુ સ્ટેમ્પ ડ્યુટી કલેકટરની તપાસમાં જાણવા મળ્યુ હતુ.
જેમણે આ ૩૨૫ મકાનોની બજાર કિંમત કઢાવતા રૂ.૨,૧૯,૯૯,૯૩,૮૫૭ નકકી કરી તેના ઉપર ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીની રકમ રૂ.૧૦,૭૭,૯૯,૬૯૯ની સામે ફિરદોસ અ.હકીમ કોઠીએ ભરેલી રૂ.૨૧,૦૭,૦૦૦ સ્ટેમ્પ ડ્યુટી બાદ કરતા ખુટતી સ્ટેમ્પ ડ્યુટીની રકમ રૂ.૧૦,૫૬,૯૩,૬૯૯ તથા ગુજરાત સ્ટેમ્પ ડ્યુટીના કાયદા મુજબ ખુટતી સ્ટેમ્પ ડ્યુટીના દસ ગણા એટલે કે રૂ.૧,૦૫,૬૯,૨૬,૯૯૦(એક અબજ, પાંચ કરોડ, ઓગણસિત્તેર લાખ, છવ્વીસ હજાર,નવસો નેવુ) વસુલ કેમ નહિ કરવા તે અંગેના ખુલાસા સાથે હાજર રહેવાની નોટિસ પાઠવી છે.