ગોધરામાં સોનીવાડ વિસ્તારના કાજીવાડ ખાતે જ્વેલર્સની દુકાનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો : દાગીના લઈ ફરાર

ગોધરામાં સોનીવાડ વિસ્તારના કાજીવાડ ખાતે જ્વેલર્સની દુકાનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો : દાગીના લઈ ફરાર

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં તસ્કરોએ હવે તો હદ વટાવી દીધી છે અને રોજબરોજ ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે ગોધરા શહેરમાં આવેલ સોનીવાડ વિસ્તારના કાજીવાડ ખાતે એક જ્વેલર્સની દુકાનમાં તસ્કરો ઇકો ગાડી લઈને આવે છે. ત્યાર બાદ ગાડીમાંથી હથિયાર સાથે ઉતરેલા તસ્કર દુકાનની આજુબાજુ આંટાફેરા કરે છે અને બીજો તસ્કર દુકાનના તાળા તોડી દુકાનમાં પ્રવેશ કરી ચાંદીની વીંટી તેમજ રીયલ ઈમીટેશન નંગના પડીકા ચાંદીની લકી એલ્યુમિનિયમની પેટી સ્ટીલનો ડબ્બા મળી એ ₹2,09,270નો મુદ્દામાલ ખાલી 18 મિનિટમાં ચોરી કરી અને ફરાર થઈ જાય છે. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હાલ તો દુકાન માલિકે અજાણ્યા તસ્કરો સામે બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોધી અને અજાણ્યા તસ્કરોને પકડવા માટે ધમધમાટ શરૂ કર્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા શહેરના સોનીવાડ વિસ્તારમાં આવેલ કાજીવાડ ખાતે રહેતા તુષાર સુભાષચંન્દ્ર સોની પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.25/09/2024ના રોજ રાત્રીના અગ્યારેક વાગ્યે હું મારી દુકાન બંધ કરી ઘરે ગયો હતો અને બીજા દિવસે સવારના આઠેક વાગ્યાના સમયે હું મારી દુકાને ગયો હતો ત્યારે દુકાનનું લોક તૂટેલું હતું અને શટલ અડધું ઉંચુ કરેલં હતું. જેથી હું મારી દુકાનની અંદર જઈને જોયું તો દુકાનનો સામાન વેરવિખે૨ પાડ્યો હતો.

જેથી મેં દુકાનનો સામાન ચેક કરતા તિજોરીની બહાર તિજોરીની ઉપર પડેલ ડબ્બા ચેક કરતા (1) ચાંદીની વીંટીઓ 550 ગ્રામની નંગ-65 જેની આશરે કિંમત રૂપિયા 35,000 (2) એલ્યુમિનિયમની પેટીમાં મુકેલ રીયલ ઇમીટેશન નંગના પડીકા કુલ-40 જેની આશરે કિંમત રૂપિયા 1,70,000 (3) સ્ટીલના ડબ્બામાં મુકેલ ચાંદીની લક્કી નંગ-01 જેની આશરે કિંમત રૂપિયા 4000 (4) એલ્યુમિનિયમની પેટી નંગ-1 જેની આશરે કિંમત રૂપિયા 200 (5) સ્ટીલનો ડબ્બો નંગ-1 જેની આશરે કિંમત રૂપિયા 70 મળી કુલ કિંમત રૂપિયા 2,09,270ની કોઈ અજાણ્યા ચોર ઇસમ અમારી દુકાનનું તાળુ તોડી દુકાનમાં પ્રવેશ કરી ચોરી ગયા હતા. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે. હાલ તો તુષાર સોનીએ ગોધરા બી-ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાવેલ છે. પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં તસ્કરોનો ત્રાસ દિન પ્રતિદિન વધવા લાગ્યો છે અને તસ્કરો પણ ચોરીને અંજામ આપવા માટે બેખોફ બની ગયા છે. ત્યારે ગોધરા શહેરના સોનીવાડ વિસ્તારમાં આવેલ કાજીવાડ ખાતે અજાણ્યા ચોર તસ્કરો એક ઇકો ગાડી લઈને આવે છે. થોડી મિનિટો સુધી દુકાને આજુબાજુ આંટાફેરા કરે છે અને 17થી 18 મિનિટની અંદર જ દુકાનના અંદર પ્રવેશ કરી ચાંદીના દાગીના લઈને ફરાર થઈ જાય છે. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલી જોવા મળી રહી છે. ત્યારે સ્થાનિક પોલીસ પ્રશાસન આવા બેખોફ બનેલા તસ્કરોને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે ઇચ્છનીય બની રહ્યું છે. કારણ કે ગોધરા શહેરમાં છેલ્લા એકાદ મહિનાથી તસ્કરોએ તરખાટ મચાવી દીધો છે. ત્યારે આવા તસ્કરોની સામે પગલાં લેવા પણ આવશ્યક બની ગયા છે.