
પંચમહાલ જિલ્લાની મુખ્ય સેશન્સ કોર્ટે સરકારી જમીન હડપવાના એક કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગોધરામાં ડે.કસ્ટોડીયન ઓફ ઈવેક્યુ પ્રોપર્ટીની સરકારી જમીન હડપ કરવાના કેસમાં આરોપી ખાલીદ હુસૈન મોહમદ યુસુફ બોકડાની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.
આ કેસની વિગતો મુજબ, ગોધરામાં આવેલી જમીન (રે.સ.નં.૮૮/૪, ૮૯/૧, ૯૩/૧ અને ૯૩/૩) ફાતમા ઈસ્માઈલ રસુલ બોકડાની હતી, જે પાકિસ્તાન ચાલી ગયા બાદ ૧૯૬૬માં ડે.કસ્ટોડીયન ઓફ ઈવેક્યુ પ્રોપર્ટી તરીકે નોંધાઈ હતી.૪૭ વર્ષ બાદ આરોપીઓએ આ જમીન હડપ કરવા માટે એક કાવતરું રચ્યું. તેમણે સમાન નામ ધરાવતી અન્ય મહિલાનો ઉપયોગ કરી, ખોટા દસ્તાવેજો રજૂ કર્યા. આરોપીઓએ ફાતમા મોહંમદ ચુંચલાની દીકરીના નામે ખોટી અરજી કરી, જે વ્યક્તિ હયાત પણ નહોતી.
આ કેસમાં ચાર આરોપીઓ – ખાલીદ હુસૈન બોકડા, ઐયુબ મોહમદ યુસુફ બોકડા, ફૈઝાન યાકુબ મદારા અને મોહસીન જિયાદ્દીન ટપલા સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ. ઠાકોરની દલીલો ધ્યાનમાં લઈને મુખ્ય સેશન્સ જજ સી.કે. ચૌહાણે આરોપી ખાલીદ હુસૈનની જામીન અરજી નામંજૂર કરી છે.