
ગોધરા શહેરના ભાગોળ વિસ્તારમાં આવેલ રેલ્વે ફાટક એલસી-4 પાસે નવા અંડરપાસનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કામગીરી માટે રેલ્વે વિભાગે ચાર કલાકનો મેગા બ્લોક લીધો હતો.
કામગીરીના નિરીક્ષણ માટે ધારાસભ્ય સી.કે.રાઉલજી, જિલ્લા કલેક્ટર આશિષ કુમાર, એસડીએમ અને ચીફ ઓફિસર આર.એચ. પટેલ સ્થળ પર પહોંચ્યા હતા. આર એન્ડ બી વિભાગના અધિકારી કે.કે. પટેલ અને રેલવેના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અધિકારીઓએ મેગા બ્લોક દરમિયાન ચાલી રહેલી કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. તેમણે કામગીરી અંગે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.

શહેરા ભાગોળ વિસ્તારના સ્થાનિક રહીશોએ અંડરપાસનું કામ વહેલી તકે પૂર્ણ કરવાની માગણી કરી છે. તેમના જણાવ્યા મુજબ આ કામગીરીની અસર તેમના ધંધા-રોજગાર પર પડી રહી છે. નોંધપાત્ર બાબત એ રહી કે રેલ્વેને લગતા પ્રશ્નોમાં સામાન્ય રીતે હાજર રહેતા પંચમહાલ જિલ્લાના સાંસદ આ મેગા બ્લોક કામગીરી દરમિયાન ગેરહાજર રહ્યા હતા.ધારાસભ્ય સી.કે. રાઉલજીએ અધિકારીઓને કામગીરી ઝડપથી પૂર્ણ કરવાના સૂચનો કર્યા હતા. આ અંડરપાસ પૂર્ણ થવાથી વિસ્તારના લોકોને આવાગમનમાં સરળતા રહેશે.
