ગોધરા નજીકના એક ગામમાં શિક્ષક પતિ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેથી એક પરિણીતાએ 181 મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે કોલ કરી પોતાની આપવીતી જણાવી હતી. જે વાત તેનો પતિ સાંભળી ગયો હતો અને પતિએ રૂમમાં પુરાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા અભયમ ટીમ ગોધરા સમયસર પહોંચી જઈ પતિને રૂમમાંથી બહાર કાઢી આત્મહત્યા કરતા અટકાવવામાં સફળતા મળી હતી. અભયમ્ ટીમે પતિ પત્ની બંનેને સામાન્ય બાબતમાં ઝઘડા નહિં કરવા સમજ આપી હતી.
ગોધરા નજીક રહેતા નીલમ બેનના રમેશભાઈ સાથે લગ્ન કર્યા છે. રમેશભાઈ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે,જ્યારે નીલમબેન પણ સરકારી નોકરી કરે છે. (નામ બદલ્યા છે). ગત રોજ નિલમબેનના પુત્રને પોતાના પિતા સાથે વાત કરવી હોવાથી નિલમ બેનને જાણ કર્યા વગર તેમના પુત્રે પોતાના પિતાને ફોન કરી દીધો હતો.
દરમિયાન તેના રમેશભાઈએ પોતે શાળામાં ફરજ ઉપર હોવાનું જણાવી મને કેમ ફોન કરીને હેરાન કરે છે એમ જણાવી નીલમબેન સાથે અપશબ્દો બોલી ઝગડો કરવા લાગ્યા હતા.જેનાબાદ રમેશભાઈ ઘરે આવ્યા હતા.દરમિયાન નિલમ બેને પોતાના પતિને સમજાવવા માટે 181 મહિલા હેલ્પલાઇનને જાણ કરી હતી જેથી ગોધરાની ટીમ નિલમબેનની મદદ માટે સ્થળ પર જવા રવાના થઇ હતી. બીજી તરફ આ બાબતની જાણ રમેશભાઈને થઇ ગઈ હતી.જેથી તેઓએ આપઘાત કરવાના ઈરાદા સાથે પોતાના મકાનમાં એક રૂમમાં પુરાઈ ગયા હતા.અભયમ ટીમે રમેશભાઈને રૂમ ખોલાવી બહાર કાઢવા ખુબ પ્રયત્નો કર્યા હતા પરંતુ તેઓ કોઈ પ્રત્યુત્તર નહિં આપતાં આખરે ટીમે સ્થાનિક રહીશોની મદદ લઈ રૂમનો દરવાજો તોડી અંદર તપાસ કરી હતી.દરમિયાન રમેશભાઈ બેહોશ અને ગળે દોરડું લટકાવેલી હાલતમાં જોવાયા હતા.
જેથી અભયમ ટીમે તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરી મદદ લીધી હતી. એ પૂર્વે અભયમ ટીમે પ્રાથમિક સારવાર આપતાં રમેશભાઈ ભાનમાં આવ્યા હતા.જેનાબાદ રમેશભાઈ અને નીલમબેન બંનેને પોતે સરકારી કર્મચારી હોવાથી સામાન્ય બાબતમાં આવું પગલું નહિં ભરવા તેમજ નાના ઝઘડાને મોટુ સ્વરૂપ નહિં આપવા સમજ આપી હતી.પતિ પત્ની બંનેને શાંતિ અને સુમેળથી રહેવા પોલીસ અને અભયમ ટીમ દ્વારા સમજાવવામાં આવ્યાં હતાં.આમ અભયમ ટીમની સમય સુચકતાથી પરિવારને થતું ખુબ મોટુ નુકસાન અટકાવી શકાયું હતું.