
ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 8માં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ઉનાળાની ધગધગતી ગરમીમાં પાણીની અછતથી ત્રસ્ત મહિલાઓએ આજે નગરપાલિકા કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો.
સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર, તેમણે પાણીની સમસ્યા અંગે અનેક વખત પાલિકાના સત્તાધીશોને રજૂઆત કરી છે. પરંતુ આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. કાળઝાળ ગરમીમાં નગરપાલિકા દ્વારા પૂરતું પાણી ન મળતા સ્થાનિક રહીશોની હાલત કફોડી બની છે.આ સમસ્યા દર વર્ષે યથાવત રહે છે. મહિલાઓએ માંગ કરી છે કે પાલિકાના સત્તાધીશો વહેલી તકે પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે અને નિયમિત પાણી પુરવઠો સુનિશ્ચિત કરે. આ વિસ્તારના રહીશોમાં પાણીની અછતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલી જૈન સમ્રાટ સોસાયટીમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સોસાયટીમાં છેલ્લા 20 દિવસથી પાણીનો પુરવઠો સંપૂર્ણપણે બંધ છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની માંગ વધુ હોવા છતાં રહીશોને પીવાના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે.
સ્થાનિક રહીશોએ જણાવ્યું કે તેમણે આ સમસ્યા અંગે નગરપાલિકા અને વોર્ડ કાઉન્સિલરોને અનેક વખત રજૂઆત કરી છે. પરંતુ પાલિકાના અધિકારીઓ અને કાઉન્સિલરો દ્વારા તેમની ફરિયાદો પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. પરિણામે, રહીશો બજારમાંથી વેચાતું પાણી ખરીદવા મજબૂર બન્યા છે.સોસાયટીના રહીશોએ ચેતવણી આપી છે કે જો પાલિકા વહેલી તકે યોગ્ય પગલાં નહીં લે તો તેઓ પાલિકા કચેરીએ હલ્લાબોલ કરશે. સ્થાનિકોની માગણી છે કે પાલિકા તાત્કાલિક પાણીની સમસ્યા પર ધ્યાન આપે અને પાણીનો નિયમિત પુરવઠો શરૂ કરે. આ સમસ્યાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.