ગોધરામાં જાહેર રસ્તા પર મારામારીની ઘટના:યુવકને ઢોર માર મારનાર બે યુવકોની પોલીસે ધરપકડ કરી

ગોધરા શહેરમાં બામરોલી રોડ પર આર્ટ એક્ષ સ્ટુડિયો સામે જાહેર રસ્તા પર બનેલી મારામારીની ઘટના ઘટી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક યુવક બીજા યુવકને માથામાં પથ્થર મારતો જોવા મળ્યો હતો.

ગોધરા એ ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ કપિલ રમેશભાઈ રાણા (રહે. ઉત્તમ નગર સોસાયટી) અને ભાવેશભાઈ રમેશભાઈ બારીયા (રહે. તુલસીધામ સોસાયટી, પંચવટી રોડ) તરીકે થઈ છે.

ચોકી નંબર 8ના PSI આર.એસ. દેવરેએ બંને આરોપીઓ સામે જાહેર સુલેહ શાંતિ ભંગ કરવા બદલ ગુનો દાખલ કર્યો છે. વાયરલ વીડિયોમાં બંને યુવકો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થતી જોવા મળી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના અંગત અદાવતમાં બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે જણાવ્યું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જાહેર રસ્તા પર આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસ દ્વારા વિશેષ પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે.