ગોધરામાં ઇદગાહ ખાતે 7 લાખ લિટરની ક્ષમતાની ટાંકીનું કામ શરૂ

ગોધરા મેસરી નદીના કિનારે આવેલા અનેક સોસાયટીઓના રહીશોને પીવાનું પાણી અનિયમિત મળી રહ્યું હતું. જેથી સ્થાનિકો દ્વારા પાલીકામાં લેખિત મૌખિત અનેક રજૂઆતો કરવામાં આવી હતી. રજૂઆતોના પગલે પાલિકા દ્વારા વિસ્તારમાં પાણીની નવીન ટાંકી મંજૂર કરાતા ટાંકીની કામગીરીનો પ્રારંભ થતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે.

ગોધરા શહેરના છેવાડે આવેલા ઇદગાહ વિસ્તાર, અમન સોસાયટી, હોકલાની વાડી, અબ્દુલ્લાહ મસ્જિદ સહિતના વિસ્તારોમાં ગોધરા આર.ટી.ઓ વોટર વર્કસ દ્વારા પાણી સપ્લાય કરવામાં આવતો હતો. પણ અત્યંત છેવાડાનો વિસ્તાર હોવાને કારણે ત્યાં પાણી નિયમિત પહોંચતું ન હતું. જેથી વિસ્તારના રહીશો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા હતા. સ્થાનિકોને જરૂરિયાત મુજબ પાણી નહિ મળી રહેતાં દૂર દૂર થી પાણી લાવવા માટે મજબૂર બન્યા હતા. જેથી સ્થાનિકો દ્વારા વિસ્તારમાં નવીન પાણીની ટાંકી માટે પાલીકામાં લેખિત મૌખિક અનેક રજૂઆતો કરાઇ હતી. જે બાદ ગોધરા પાલિકા દ્વારા અમૃત યોજના અંતર્ગત કરોડોના ખર્ચે 7 લાખ લિટરની પાણીની નવીન ટાંકી અને 10 લાખ લિટરનો સંપ બનવવાની મંજૂરી મળી હતી. ત્યાર બાદ પાલિકા દ્વારા હાલમાં નવીન ટાંકી બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. આ કામગીરી પૂર્ણ થતાં વિસ્તારની વર્ષો જૂની પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવી જશે તેવું સ્થાનિક કાઉન્સિલર પપ્પુભાઈ સૈયદ દ્વારા જણાવાયું હતું.

પાણીની સમસ્યા દૂર થતાં લોકોને રાહત થશે ગોધરા શહેરમાં પાણીની અછત દૂર કરવા માટે પાલિકા દ્વારા સાતપુલ, લીલેસરા અને વહોરવાડ ખાતે અમૃત યોજના અંતર્ગત 6 કરોડના ખર્ચે કુલ 3 નવીન પાણીની ટાંકી અને સંપ બનવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવેલ છે. હાલ કામગીરી કાર્યરત છે. કામગીરી પૂર્ણ થતાં વિસ્તારોમાં પાણીની કાયમી સમસ્યા દૂર થશે અને લોકોને રાહત થશે.

અનિયમિતતાથી પાણીની અછત ઉભી થાય છે અમો અહીંયા વર્ષોથી પરિવાર સાથે રહીએ છીએ. આસપાસની સોસાયટીઓમાં અનેક મકાનો આવેલા છે. સમસ્ત વિસ્તારમાં વર્ષોથી અનિયમિત પાણીને લઇને પીવાના પાણીની ભારે અછત ઉભી થઇ હતી. જેને લઈને અમને દૂર દૂર સુધી જરૂરિયાત મુજબનું પાણી લેવા જવું પડતું હતું. અમુક લોકો રૂપિયા ખર્ચીને પાણી મગાવવા માટે મજબૂર બન્યા હતા. – ઈરફાનભાઈ મુલ્લા, સ્થાનિક