
ગોધરા શહેરના બગીચા રોડ પર આવેલી ફટાકડાની દુકાનો પર મામલતદાર કચેરી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મામલતદાર એચ.વી.ભોઈએ બપોરે 1 વાગ્યે સ્થળ તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન 11 દુકાનો પૈકી માત્ર એક દુકાન ખુલ્લી મળી આવી હતી. આ દુકાનમાંથી અંદાજે 96 હજાર રૂપિયાનો મુદ્દામાલ સીલ કરવામાં આવ્યો છે. બાકીની 10 દુકાનો બંધ હોવાથી તેમને સીલ કરી નોટિસ લગાડવામાં આવી છે.મામલતદાર કચેરીએ આસપાસના લોકો પાસેથી દુકાન માલિકોની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ માહિતી મળી ન હતી. તમામ બંધ દુકાનોને હંગામી ધોરણે સીલ કરવામાં આવી છે.

દુકાન માલિકોને જાણ થાય તે માટે દરેક દુકાન પર નોટિસ ચોંટાડવામાં આવી છે. માલિકોને કચેરી કામકાજના સમય દરમિયાન તાલુકા સેવા સદનમાં માલિકીના આધાર-પુરાવા સાથે હાજર થવા સૂચના અપાઈ છે. જો માલિકો સંપર્ક નહીં કરે તો નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. માલિકોએ સીલને નુકસાન પહોંચાડ્યા વિના કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.