પંચમહાલના ગોધરા શહેરમાં કડકડતી ઠંડી વચ્ચે તસ્કરોએ એક જ રાતમાં બે મકાનોને નિશાન બનાવ્યા છે. બામરોલી રોડ પર આવેલા અરિહંતનગર અને આશ્રયવિલા સોસાયટીમાં થયેલી આ ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ છે.વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ પાંચ તસ્કર ફોરવ્હિલ ગાડીમાં અરિહંતનગર-દ્વારકા નગરની પાછળ આવ્યા હતા. માસ્ક પહેરેલા આ તસ્કરોએ મકાનના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી લાખો રૂપિયાની માલમત્તાની ચોરી કરી હતી.
ત્યાર બાદ સવારે 4:30 વાગ્યે આ જ તસ્કરો ગદુકપુર સ્થિત આશ્રયવિલા સોસાયટીમાં પહોંચ્યા હતા. અહીં પણ તેમણે કંપાઉન્ડ વોલ કૂદીને મકાનમાં પ્રવેશ કર્યો અને ચોરી કરી હતી. એક જ રાતમાં બે સોસાયટીમાં થયેલી ચોરીની ઘટનાથી વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ છે.
સ્થાનિક રહીશોએ પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠાવ્યા છે. લાંબા સમયના વિરામ બાદ શહેરમાં ફરી તસ્કરોએ માથું ઊંચક્યું છે, જેના કારણે નાગરિકોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ છે. સ્થાનિકોની માગ છે કે પોલીસે રાત્રિ પેટ્રોલિંગ વધારવું જોઈએ, જેથી આવી ઘટનાઓ અટકાવી શકાય.