ગોધરામાં ACBની કાર્યવાહીનો મામલો:લાંચ કેસમાં નાયબ મામલતદાર અને પટ્ટાવાળાના કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ગોધરા પ્રાંત કચેરીના નાયબ મામલતદાર એમ.એમ.રાણાવાડીયા વતી લાંચના ૧ લાખ રૂપિયા લેતા પટાવાળાને ACB એ રંગેહાથે ઝડપ્યો

ગોધરામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ એક મોટી કાર્યવાહી કરી છે. નાયબ મામલતદાર મોહમંદનઈમ રાણાવડીયા અને પ્રાંત કચેરીના પટ્ટાવાળા ગણપત પટેલને રૂપિયા એક લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં આજે કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે.

લાંચના બંને આરોપીઓને ગોધરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. એસીબીના તપાસ અધિકારીએ કોર્ટ સમક્ષ રીમાન્ડની માંગણી કરી હતી. આ માંગણીને ધ્યાનમાં લઈને કોર્ટે બંને આરોપીઓના ચાર(04) દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

એસીબીના અધિકારીઓએ જણાવ્યું કે રિમાન્ડ દરમિયાન લાંચ લેવાના મૂળ કારણો અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓની વિગતવાર તપાસ કરવામાં આવશે. તપાસ દરમિયાન વધુ મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા છે. એસીબી દ્વારા આ મામલે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.