મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોધરા નજીક ઓરવાડા ખાતે 150 બેડ ધરાવતી પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાની સૌથી મોટી આરોગ્યમ કેન્સર અને સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનો પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ હોસ્પિટલ ખાતે આયુષ્માન યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં હોલિસ્ટિક અભિગમ સાથે રાજ્યમાં આરોગ્ય સેવાઓને સુદઢ બનાવવામાં આવી છે. વિકસિત ભારત @2047 માટે જન આરોગ્ય સુખાકારી અગત્યનું પાસું છે. આ સંદર્ભમાં મુખ્ય મંત્રીએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર માટે આ હોસ્પિટલ જોડાઈ છે. જેથી આ વિસ્તારના જન સામાન્યને ઓછા ખર્ચે ઉત્તમ સુવિધા પૂરી પાડવાની રાજ્ય સરકારની નેમ સાકાર થશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા દસ વર્ષમાં સંવેદનશીલતા અને દીર્ઘદ્રષ્ટિથી જનઆરોગ્યની ચિંતા કરી દેશના ગરીબ, આદિવાસી અને જરૂરિયાતમંદોને સસ્તી અને સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરી સ્વસ્થ સમાજના નિર્માણને પ્રાથમિકતા આપી હરહંમેશ જનતા જનાર્દનની સેવા કરી છે.સ્વચ્છતા હશે તો સ્વસ્થતા રહેશે, તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, યોગ અને પર્યાવરણ આધારિત જીવન શૈલી અને શ્રીઅન્ન જેવા સ્વાસ્થ્યવર્ધક અભિયાનો દ્વારા વડાપ્રધાનએ નાગરિકોને આરોગ્ય રક્ષા કવચ આપ્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે,રાજયમાં પ્રાથમિક, સામુહિક આરોગ્ય કેન્દ્રોનું અપગ્રેડેશન કરી નાગરિકોને અદ્યતન આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સાથે આયુષ્યમાન ભારત યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ નાગરિકોને આરોગ્ય વિષયક લાભો આપી રાજય સરકાર સેવા દાયિત્વ નિભાવી રહી છે. વડાપ્રધાનએ વડિલોના સ્વાસ્થ્યની ચિંતા કરી 70 વર્ષથી વધુ વયના વડિલોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ મફત સારવાર આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાતનો ચહુ દિશામાં વિકાસ થઇ રહ્યો છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજયના આદિવાસી બહુલ વિસ્તારોમાં અદ્યતન હોસ્પિટલો સાથે મેડીકલ કોલેજો પણ શરૂ કરવામાં આવી છે. ગોધરામાં આરોગ્યમ હોસ્પિટલ શરૂ થતાં પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાના નાગરિકોને ઘર આંગણે અદ્યતન આરોગ્ય સેવાઓ મળી રહેશે. પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજએ આ હોસ્પિટલમાં આવતા દર્દીઓ શ્રેષ્ઠ સારવાર થકી સ્વસ્થ થઈ પરમ આરોગ્ય પ્રાપ્ત કરે એવા આશીર્વચન પાઠવ્યા હતાં.
પ્રારંભમાં આરોગ્યમ હોસ્પિટલના ચેરમેન ડો.રક્ષિત શાહે સૌનો આવકાર કરતા જણાવ્યું હતું કે, આ વિસ્તારના દર્દીઓને કેન્સરની સારવાર માટે વડોદરા, અમદાવાદ જવું પડતું હતું. પરંતુ હવે આ અત્યાધુનિક હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને કીમો, રેડિયો થેરાપી અને સર્જરી જેવી સુવિધાઓ ઘરઆંગણે ઉપલબ્ધ થશે. આ હોસ્પિટલ દર્દીઓની સારવાર સાથે માનસિક, શારીરિક અને આર્થિક રીતે સધિયારો આપવા સાથે સમાજસેવાનું પણ પ્રતીક બની રહેશે, તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે વિધાનસભાના નાયબ અધ્યક્ષ જેઠા ભરવાડ, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકા ડાયરા, સાંસદ રાજપાલસિંહ જાદવ, જશવંતસિંહ ભાભોર, ધારાસભ્યો સી.કે.રાઉલ, ફતેસિંહ ચૌહાણ, નિમિષા સુથાર, અગ્રણી અશ્વિન પટેલ, પદાધિકારીઓ, હોસ્પિટલના વિવિધ વિભાગના નિષ્ણાત ડોક્ટરો, સ્ટાફ સહિત આસપાસના વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.