- વોર્ડ નં.૦૫ના કોંગ્રેસી ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા તેઓના અને વોર્ડ નં.૦૪ના કોંગ્રેસી ઉમેદવાર અને ટેકેદારો વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી.
- પોલીસની દરમ્યાનગીરી થી હિંસા થતી અટકી ગઈ.
- આખરે બન્ને જુથો વચ્ચે સમાધાન થયું.
- આજે ૨૨ જેટલા પરત ખેંચાતા ૧૮૭ જેટલા ઉમેદવારો એ ચુંટણી જંગમાં ઝંપલાવ્યું.
ગોધરા,
ગોધરા નગર પાલિકાની ચુંટણીને અનુલક્ષીને ફોર્મ પરત ખેંચવાના દિવસે કલેકટર કચેરીના કંપાઉન્ડમાં બે રાજકીય જુથો વચ્ચે મામલો બિચકાયો હતો. વોર્ડ નં.૦૫ના કોંગ્રેસી ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા તેઓના અને વોર્ડ નં.૦૪ના કોંગ્રેસી ઉમેદવાર અને ટેકેદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છુટા હાથે મારામારી થતાં વાતાવરણ તંગ બન્યું હતું. જોકે, પોલીસની દરમ્યાનગીરી થી હિંસા થતી અટકી ગઈ હતી. આખરે બન્ને જુથો વચ્ચે સમાધાન થયું હતું. આમ, ૪૪ બેઠકો માટે ૨૬૨ ફોર્મ ભરાયા હતા. તે પૈકી ૫૩ રદ્દ થયા હતા. અને આજે ૨૨ જેટલા પરત ખેંચાતા ૧૮૭ જેટલા ઉમેદવારો એ ચુંટણી જંગમાં ઝંપ લાવ્યું છે.
પંચમહાલ જીલ્લા મથકની ગોધરા નગરપાલિકાની ચૂંટણી છેલ્લા કેટલાય દિવસો થી અનેક મુદ્દાઓને લઈને રાજકીય રીતે ચર્ચાનું કેન્દ્ર બનેલ હતું. પહેલા તો ઉમેદવારોની જાહેરાત સાથે જુના જોગીઓના પત્તા કપાતા વર્ષોથી ભાજપમાં એક હથ્થુ શાસન કરીને સભ્ય તરીકે ફરી ચુંટણી જંગમાં ઉતરવા અપક્ષ દાવેદારી નોંધાવી હતી. તો કેટલાકના પરીવારના સભ્યોને ટીકીટ ફળવાઈ હતી. તો કેટલાકને મેન્ડેટ ન મળતાં ભાજપના જ કાર્યકરો એ રાજીનામાં ધરી દીધા હતા. વળી, એક દાયકા અગાઉ ચેકડેમની રીકવરીના મુદ્દે કોંગ્રેસ દ્વારા વાંધા અરજી અપાઈ હતી. દિનભર રાજકીય ડ્રામા વચ્ચે છેવટે કોંગ્રેસની વાંધા અરજી ફગાવાઈ દઈને ભાજપના હરીફ ઉમેદવારોને ચુંટણી લડવાની માન્યતા આવી હતી. પાલિકાના વિવિધ ૧૧ વોર્ડના કુલ ૪૪ બેઠકો ઉપર ભાજપા-કોંગ્રેસ અને અપક્ષો એ દાવેદારી નોંધાવતા કુલ ૨૬૨ ફોર્મ રજુ થતા રાફડો ફાટયો હતો. ગત સોમવારના ફોર્મ ચકાસણીના રોજ વિવિધ વિભાગોમાં ક્ષતિઓ જણાતા ૫૩ જેટલા ફોર્મ રદ કરાયા હતા. પરંતુ અપક્ષોનું જોર વધતાં ભાજપા અને કોંગ્રેસને મુુંઝવણમાં મૂકી દઈને રાજકીય પડકાર ફેંકયો હોય તેવી સ્થિતી સર્જાતા તેઓને મનામણા કરવામા આવ્યા હતા. ત્યારબાદ મંગળવારના રોજ પરત ખેંચવાની પ્રક્રિયાને લઈને સૌની નજર મંડાઇ હતી. ગોધરા પ્રાંત કચેરીમા વહેલી સવાર થી જ હાથ ધરાયેલી કાર્યવાહીને લઈને સૌની નજર મંડાઈ હતી. એક તરફ પ્રક્રિયા હાથ ધરવાને લઈને ઉપરના માળે આવેલી પ્રાંત કચેરીમાં ઉત્તેજના ભર્યો માહોલ વચ્ચે ઉત્સુકતાભેર જામેલા લોકટોળા સર્જાયેલા હતા. તો બીજી તરફ બપોરના અરસામાં નીચે પાર્કિંગના પટાંગણમાં ઉમેદવારો તથા ટેકેદારો અલગ અલગ જુથોમાં ચર્ચાની તૈયારીઓમાં મશગુલ હતા. તેવા સમયે વોર્ડ નં. ૦૫ના કોંગ્રેસના ઉમેદવાર અમરકુમાર દોલતરામ નાગદેવે એ ફોર્મ પરત ખેંચતા ઉપસ્થિત વોર્ડ નં.૦૪ના ઉમેદવાર અને ટેકેદારો વચ્ચે શરૂ આતમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ફોર્મ પરત ખેંચાવા પાછળ દોરી સંચાર ધરાવતા ગોધરા શહેરના ભાજપા પૂર્વ પ્રમુખ મહેશ હરૂમલાણી વચ્ચે આવતા મામલો બિચકાયો હતો. તેમ જાણવા મળે છે. વાતવાતથી શરૂ થયેલો મામલો ઉગ્ર બનીને અંદરો અંદર છુટા હાથે મારામારી શરૂ થતાં આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો. બન્ને જુથો વચ્ચે છુટા હાથે મારામારી કરવાની સાથે પાર્કિગમાં પાર્ક કરાયેલ વાહનોને ગબડાઈ દેવામાં આવ્યા હતા. જેના પગલે ઉપસ્થિત પોલીસ કર્મીઓ પણ દોડી આવીને કાર્યકરોને વેરવિખેર કરીને સમજાવટ કરવામાં આવી હતી. પરંતુ મામલો પોલીસ મથકે પહોંચીને અંદરો અંદરે પરસ્પર પોતાની ભૂલ સ્વીકારીને આ છુટા હાથની મારામારીના બનાવ અંગે માફી માંગીને સમાધાન કરવામાં આવતા આખરે મામલો ઠાળે પડતા હાશકારો અનુભવ્યો હતો. નમતી સાંજે મળતી માહિતી મુજબ ગોધરાના નગર પાલિકાની ૪૪ બેઠકો માટે ૨૬૨ ફોર્મ ભરાયા હતા. તે પૈકી ૫૩ રદ્દ થયા હતા. અને આજે ૨૨ જેટલા પરત ખેંચાતા ૧૮૭ જેટલા ઉમેદવારો એ ચુંટણી જંગમાં જંપ લાવ્યું છે. ૦૬ વોર્ડમાં ભાજપા એ મેન્ડેટ આપ્યો છે. તો કોંગ્રેસે ૦૫ વોર્ડમાં પોતાના ઉમેદવારોને ઊભા રાખ્યા છે. આમ, સૌથી વધુ અપક્ષ ઉમેદવારોનો રાફળો ફાટયો છે.