ગોધરા શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા ગોધરાના નગરજનો અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલને રજૂઆત કરવામાં આવી હતી. જેથી ગોધરાના ધારાસભ્ય દ્વારા ગોધરાના નગરજનોની વાતને ધ્યાનમાં રાખીને અને ગુજરાત રાજ્ય સરકારમાં ગોધરામાં વધુ એક ફ્લાય ઓવરબ્રિજની ભલામણ કરી હતી. ગોધરા ખાતે ભુરાવાવ ચાર રસ્તાથી રેલવે ઓવરબ્રિજ થઈ ગોધરા બસ સ્ટેન્ડ તથા લાલ બાગ બસ સ્ટેન્ડથી દાહોદ રોડ તરફ અમૂલ પાર્લર પ્રભા કોતર સુધી ફ્લાય ઓવરબ્રિજ મંજૂર કરાવી કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ આ કામગીરી યુદ્ધના ધોરણે દિવસ રાત ચાલી રહી છે.
આ ફ્લાય ઓવર બ્રિજ બનવાથી ગોધરા શહેરના પ્રવેશથી દાહોદ રોડ સુધી વાહનો બારોબાર ફ્લાય ઓવરબ્રિજ થઈ નીકળી શકતા હતા. પરંતુ વડોદરા જવા માટેના વાહનોને ચર્ચ પાસેથી શહેરમાં પ્રવેશીને જવું પડે તેમ હતું. જેથી બહારગામથી આવતા વાહનોની ટ્રાફિકની સમસ્યા મહદઅંશે રહી જતી હતી.
ગોધરા શહેરની બહારથી આવતા વાહનો અને કાયમી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ગોધરા શહેરના ચર્ચ સર્કલથી સિવિલ હોસ્પિટલ સુધી લંબાવવા માટે ધારાસભ્ય સી.કે.રાઉલજીએ નગર પાલિકાને સુચના આપી જરૂરી દરખાસ્ત કરવા જણાવ્યું હતું તથા સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆત મુજબ શહેરી વિકાસ અને શહેરી ગ્રામ ગૃહ નિમાર્ણ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગોધરા નગર પાલિકા વિસ્તાર ચાલતી ફ્લાય ઓવર બ્રીજની લંબાઈમાં વધારો કરી બસ સ્ટેન્ડથી રેલવે ઓવરબ્રિજ સુધી અને ચર્ચ સર્કલથી સિવિલ હોસ્પિટલ સુધી લબાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
હાલમાં કાર્યરત ફ્લાય ઓવરની કામગીરી અંતર્ગત ગોધરા ભુરાવાવ ઓવરબ્રિજ ઉતરતા અતિથી હોટલથી પોલીસ હેડ ક્વાર્ટર ઓવર બ્રીજને જોડી, ચર્ચથી બહારપૂરા મંદિર, સિવિલ હોસ્પિટલ પાસે બ્રિજને ઉતારવામાં આવશે. જેના કારણે દાહોદ તથા વડોદરાથી આવતા વાહનો બારોબાર ગોધરા શહેરના પ્રવેશ કર્યા વગર નીકળી જશે. નગરની ટ્રાફિકની સમસ્યાનો મહદઅંશે નિરાકરણ આવશે.