ગોધરા તાલુકાના સેલજીના મુવાડા ગામે ડીજેનો અવાજ ધીમો કરવા જેવી નજીવી વાતે બે ઈસમો દ્વારા ચપ્પુ વડે બે વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 2 વ્યક્તિઓને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે કાકણપુર રેફરલ હોસ્પિટલ ખાતેથી વધુ સારવાર અર્થે ગોધરા ખાતે આવેલી સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરા તાલુકાના ખાંડીયા ગામે રહેતા અજમેલસિંહ પ્રતાપસિંહ રાઠોડે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓના સંબધી દિલીપસિંહ પ્રભાતસિંહ રાઠોડના દીકરાના લગ્ન નિમિત્તે પાઘડી લઇ ગત 27 તારીખે બપોરના સમયે ગોધરા તાલુકાના સેલજીનાં મુવાડા ગામે ગયા હતા. જ્યાં આશરે બપોરના અઢીએક વાગ્યાના સુમારે સમાજના માણસો સાથે દિલીપસિંહ પ્રભાતસિંહ રાઠોડના દિકરીના લગ્નની પાઘડી લઇને પહોંચ્યા હતા. જે દરમિયાન પાઘડી બંધાતી હતી ત્યારે અમે તથા મારા નાનાભાઇ નટવરસિંહ પ્રતાપસિંહ રાઠોડ, સરદારસિંહ પ્રતાપસિંહ રાઠોડ તેમજ રમેશકુમાર ચંદુભાઇ રાઠોડ એમ લગ્નમાં બેઠા હતા.
તે વખતે લગ્નમાં ડી.જે લઇને આવેલા અલ્પેશકુમા૨ દલપતસિંહ રાઠોડ તેમજ આકાશકુમાર કિશોરસિંહ રાઠોડ જોર-જોરથી પોતાનું ડી.જે.વગાડી અને મસ્તિ મજાક કરી રહ્યા હતા. જેથી અમારા ભાઇ નટવરસિંહ પ્રતાપસિંહ રાઠોડએ તેઓને પોતાનું ડી.જે. થોડુ ધીમા અવાજે વગાડવા કહેતા તેઓએ મારા ભાઇ નટવરસિંહ પ્રતાપસિંહ રાઠોડને અપશબ્દો બોલવા લાગ્યા હતા. જેથી તેઓને અપશબ્દો બોલવાનું ના કહેતા બન્ને ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા અને નટવરસિંહના નજીક આવી જઇ અલ્પેશકુમાર દલપતસિંહ રાઠોડે તેના હાથમાં રહેલ ચપ્પુ નટવરસિંહના માથાના ભાગે મારી દીધું હતુ.
જે જોઇ બુમાબુમ થતા ગોવિદસિંહ નટવરસિંહ રાઠોડ ત્યાં આવી જતા અલ્પેશકુમારએ તેના હાથમાનું ચપ્પુ ગોવિદને પણ મારવા જતાં તેને જમણા હાથના કોણીના ભાગે વાગ્યું હતું. સમગ્ર મારામારીની ઘટનાને લઈને સ્થાનિકો આવી જતા બંને ઈસમો, આજે બચી ગયો છે જો ફરી મળશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત નટવરસિંહ અને ગોવિંદને કાકણપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાંથી નટવરસિંહ અને ગોવિંદને કાકણપુર રેફરલ હોસ્પિટલ ખાતેથી વધુ સારવાર અર્થે ગોધરા ખાતે આવેલી સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યારે સમગ્ર ઘટનાને લઈને ગોધરા તાલુકા પોલીસમથકે બંને હુમલાખોર ઈસમો સામે ફરિયાદ નોંધાવા પામી છે.