સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં આજીવન કેદની સજા ભોગવતો કેદી પેરોલ પર છૂટયા પછી પરત જેલમાં હાજર નહીં થતા જેલરે કેદી વિરૃધ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વર્ષ ૨૦૦૨ના ગોધરાકાંડમાં આરોપી સોકત અબ્દુલ મૌલવી ઇસ્માઇલ બદામ (રહે. ગેની પ્લોટ તા. ગોધરા જિ.પંચમહાલ)ને સેશન્સ કોર્ટે તા.૧-૩-૨૦૧૧ના રોજ આજીવન કેદની તથા ૧૭,૩૦૦ રૃપિયાના દંડની સજા કરી હતી. કેદીને સજા ભોગવવા માટે વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો. કેદીની ગત તા.૨૪-૭-૨૦૨૦ના રોજ ૨૧ દિવસની પેરોલ સજા પર મંજૂર થઇ હતી. ત્યારબાદ ફરીથી તેની રજાની મુદ્દતમાં વધારો થયો હતો. તેની મુદ્દત તા.૨૯-૮-૨૦૨૦ના રોજ પૂરી થતી હતી. કેદીએ ત્રીજી વખત પણ રજાની મુદ્દત વધારવા અરજી કરી હતી. પરંતુ તેની સુનાવણી હાથ ધરાય તે પૂર્વે જ વિડ્રો કરી લેવામાં આવી હતી. જેથી કેદીને તા.૨૯-૮-૨૦૨૦ના રોજ જેલમાં હાજર થવાનું હતું. પરંતુ તે હાજર થયો ન હતો. ઉલ્લેખનીય છે કે વડોદરા જેલમાં ગોધરાકાંડના ૩૦ કેદીઓ સજા ભોગવી રહ્યા છે.