ગોધરામાં 24 કલાકમાં હત્યાના બે બનાવ બનતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મોડીરાત્રે ખેલાયેલા ખૂની ખેલના બે બનાવમાં એક યુવાન અને એક યુવતીનાં મોત થયાં છે. પ્રથમ બનાવમાં રાત્રિના ત્રણથી ચાર વાગ્યાના આરસામાં એક યુવક ઉપર ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં યુવાન લોહીથી લથપથ હાલતમાં જમીન ઉપર પડ્યોલો હતો, જ્યારે બીજા બનાવમાં ગોધરાના કાશીપુરા ગામે શંકાશીલ પતિએ પત્ની ઉપર વહેમની શંકા રાખી ધારિયા વડે ગળાના ભાગે ઘા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
ગોધરા તાલુકાના કાશીપુર ફળિયામાં રહેતા અને મૃતકના ભાઈ મેહુલભાઈ ભગવાનભાઈ જાદવે પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના બનેવી અરવિંદભાઈ રામાભાઇ પરમાર જેઓ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વરસડા ગામે રહે છે. તેઓ તેમની પત્ની સુશીલાબેન ઉર્ફે ટીની (ઉંમર 42) ઉપર અવારનવાર ખોટા શક અને વહેમ રાખીને આવેશમાં આવી ઝઘડો કરતા હતા.આજે સવારે 3 વાગે મારા બનેવીએ કોઈ કારણોસર આવેશમાં આવી લોખંડના ધારિયા વડે મારી બહેનના ગળાના ભાગે ઘા ઝીંકી તેની કરુણ હત્યા કરી હતી, જે સમગ્ર બનાવને લઈને કાકણપુર પોલીસ મથકમાં શંકાશીલ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. હાલ તો સુશીલાબેનના મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યો છે.
મૃતક સુશીલાબેન ઉર્ફે ટીનીના ભાઈ મેહુલભાઈ જાદવે જણાવ્યું હતું કે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વરસડા ગામથી મારાં બેન અને બનેવી ઘાસ અને પૂળા લેવા માટે અમારા ઘરે આવ્યાં હતાં. આજરોજ સવારે 3:00 વાગ્યાના આરસામાં ધારિયા ખખડવાનો અવાજ આવતાં હું ઊઠી ગયો હતો. એટલામાં મેં જોયું તો મારાં બહેનનો ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ પડ્યો હતો અને મારા બનેવી ધારિયું લઈને ઘરની પાસે ઊભા હતા એટલે મેં તેમને પકડી પાડ્યા.
ત્યાર બાદ મારા પિતા પણ દોડી આવ્યા ને તેમણે પણ તેને પકડી લીધો હતો. એટલામાં મારી માતા જાગી ગયાં અને તેમણે બૂમાબૂમ કરી મૂકતાં ગામના લોકો પણ દોડી આવ્યા હતા અને તેમને પકડી પાડ્યા હતા. હાલ તો મારા બનેવી વિરુદ્ધ કાકણપુર પોલીસ મથક ફરિયાદ નોંધાઈ છે.કાકણપુર પોલીસે શંકાશીલ પતિ વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.