“એક પૃથ્વી એક સ્વાસ્થ્ય”ના નારા સાથે “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” પંચમહાલ જીલ્લો બન્યો યોગમય

  • ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જીલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઈ.

ગોધરા, આજરોજ 21 જૂન 2023ના 9મા વિશ્ર્વ યોગ દિવસની સમગ્ર રાજ્યમાં જન ભાગીદારી સાથે “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” ના નારા સાથે “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” અને “હર ઘરના આંગણે યોગ”’ની થીમ સાથે ઉજવણી કરાઈ છે. ત્યારે પંચમહાલ જીલ્લામાં વિશ્ર્વ યોગ દિવસની જીલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ગોધરા ખાતે કરવામાં આવી હતી.

આ પ્રસંગે પંચમહાલ જીલ્લા સાંસદ રતનસિંહ રાઠોડ અને જીલ્લા કલેકટર આશિષ કુમારે પ્રાસંગિક ઉદ્દબોધન કરીને યોગનું મહત્વ તથા યોગ પ્રણાલી અપનાવવાથી જીવનમાં થતા ફાયદા વિશે વાત કરી હતી. આ સાથે સૌ કોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના યોગ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

આ તકે સ્ટેટ કો-ઓર્ડીનેટર પિન્કીબેન મેકવાન અને યોગ કોચ દ્વારા સ્ટેજ પરથી યોગ શરૂ કર્યા હતા. જે અનુસાર તમામ લોકોએ યોગ કર્યા હતા. છેલ્લે રાષ્ટ્રગીત રજૂ કરાયું હતું.આ સાથે જીલ્લા આરોગ્ય અધિકારી મહેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળઆરોગ્ય વિભાગનો સ્ટોલ અને બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું.

આ તકે ધારાસભ્ય સી.કે.રાઉલજી, ફતેહસિંહ ચૌહાણ, ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ, જીલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા, રેન્જ આઈજી, જીલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, જીલ્લા રમત વિકાસ અધિકારી પ્રતાપ પસાયા, જીલ્લા અગ્રણી અશ્ર્વિનભાઈ પટેલ સહિત જીલ્લાના સંકલન અધિકારીઓ, યોગ કોચ અને ટ્રેનર, પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.