ગોધરામાં વ્યાજખોરોમાં ફફડાટ : વ્યાજખોર સામે પોલીસે પ્રથમ વખત પાસા હેઠળ આરોપીની અટકાયત કરી કચ્છ ભુજ જેલ ભેગો કર્યો.

ગોધરામાં એક વ્યાજખોર સામે પોલીસે પ્રથમ વખત પાસાની કાર્યવાહી હાથધરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હુકમ કરવામાં આવતા પોલીસે પાસાધારા હેઠળ આરોપીની  અટકાયત કરીને  પાલારા જેલ કચ્છ ભુજ ખાતે  મોકલી દેવાની કાર્યવાહી હાથધરી હતી.

પંચમહાલ પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવીને 10 કરતા વધુ વ્યાજખોરો સામે પોલીસે ફરિયાદ નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે ગોધરા શહેરના બામરોલી વિસ્તારમાં મુક્તાનંદ સોસાયટી માં રહેતા રમેશભાઈ ઉર્ફે રામુ અર્જુનદાસ દોહલાણી લાયસન્સ વગર વધુ વ્યાજ લઈને બે વ્યક્તિઓને રૂપિયા આપીને હેરાન પરેશાન કરતા હોવાની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે અલગ અલગ  મની લેન્ડિંગ એકટ મુજબની  ફરિયાદો નોંધાતા પોલીસે કાર્યવાહી હાથધરી હતી. પોલીસે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈને લાયસન્સ વગર  ઉંચા વ્યાજે રૂપિયા આપતા રમેશ સામે પાસાધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસે દ્વારા કલેકટર સમક્ષ રમેશના સામે પાસા હેઠળ કાર્યવાહી થાય તે માટે દરખાસ્ત તૈયાર કરીને મોકલી આપવામાં આવતા જિલ્લા મેજિસ્ટ્રેટ સુજલ મયાત્રા એ પાસા દરખાસ્ત મંજૂર કરી હતી. પોલીસે રમેશની પાસાધારા હેઠળ અટકાયત કરીને પોલીસ સ્ટેશન ખાતે લાવીને પાલારા જેલ કચ્છ ભુજ ખાતે  મોકલી દેવાની કાર્યવાહી હાથધરી હતી. ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લામાં છુંપી રીતે અનેક લોકો ઉંચા વ્યાજે રૂપિયા આપતા હોય અને અનેક લોકો મજબૂરીના કારણે લેતા પણ હોય છે ત્યારબાદ વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરવા સાથે પરિવારને પણ હેરાન કરતા હોવાની અનેક બૂમો ઉઠી રહી હતી જો કે જિલ્લા પોલીસની આવા વ્યાજખોરો સામે જે રીતે હાલમાં કાર્યવાહી કરવામાં આવી છે સાથે પ્રથમ વખત વ્યાજખોર સામે પાસા ની કાર્યવાહી કરવામાં આવતા પ્રજાજનોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી જોકે પોલીસની વ્યાજખોરો સામેની કાર્યવાહીના પગલે ઊંચા વ્યાજે રૂપિયા આપતા લોકોમાં ભારે ફફડાટ  ફેલાયો છે.