ગ્રાઉન્ડ રિપોર્ટ : ગોધરા વોર્ડ નં.૩ પાયાની સુવિધા વિના નર્કાગાર સ્થિતીમાં દયનીય હાલત ગુજારતા પત્થર તલાવડી વિસ્તારના રહિશો


ગોધરા,
માત્ર ને માત્ર પ્રજા માટે અને વિકાસ માટે લોકપ્રશ્ર્નોને જાણવાનો વિનમ્ર પ્રયાસ સાથે બિનરાજકીય નિષ્પક્ષપણે રજુ કરતી શ્રેણીના ભાગરૂપ ગોધરા પાલિકાના વોર્ડ નં.૩ની મુલાકાત લેતાં લોકો એ પોતાની લાગણી વ્યકત કરી હતી.

ગત ટર્મ દરમ્યાન ચુંટાયેલા સભ્યો દ્વારા આ મત વિસ્તારમાં જુદા જુદા વિકાસના કાર્યો કરેલા છે. સિવિલ હોસ્પિટલના સામાન્ય ભાગના બહારપુરા થી વિશ્ર્વકર્મા ચોક, વિકાસપથ, કલાલ દરવાજા,શાંતિનિવાસ સોસાયટી, પ્રભાકુંજ, ચોકી નં.૮, બસ સ્ટેન્ડ પાછળનો ભાગ, અંકલેશ્ર્વર મહાદેવ રોડ, સહજાનંદ સોસાયટી, પત્થર તલાવડી થઈને ભગવત નગર થઈ દાહોદ રોડના તથા પ્રભા રોડ સુધીના વિસ્તાર પામીને વહેપારીઓ અને શિક્ષિત તથા મધ્યમ વર્ગીય ૧૦૦૯૮ મતદારો ધરાવે છે.

ગત વર્ષોમાં થયેલા કામો છતાંયે સ્થાનિક પ્રજા વધુ વિકાસ ઝંખી રહી છે. જેમાં વિવિધ સોસાયટીના આંતરીક રસ્તાઓની સુવિધા આપવાની માંગ કરવા સાથે નિયમીત સાફ સફાઈની જરૂરીયાત વ્યકત કરી હતી. સિવિલ હોસ્પિટલની સામેના ભાગમાં આવેલ બહારપુરા તથા અન્ય રહેણાંક વિસ્તારમાં પાલિકાના સફાઈ કર્મીઓ નિયમિતપણે સ્વચ્છતા માટે આવતાં ન હોવાની લોક બૂમો સંભળાઈ રહી છે. આ વિસ્તારમાંથી નગરના પ્રવેશ માર્ગ હોવાથી રાત-દિવસ મોટી સંંખ્યામાં લોકોની અવરજવર રહે છે. એટલું જ નહિ અહીંના વિકાસ પથ, કલાલ દરવાજા, ગાંધી પેટ્રોલ પંપ, ચાંચર ચોક તથા બસ સ્ટેન્ડ વિસ્તારની પાછળના મોટી સંખ્યામાં દુકાનો ધરાવે છે. અને અહીં દુકાનો આવેલી હોવાના કારણે રોજીંદા જીલ્લાભરમાંથી ગ્રાહકો ખરીદી અર્થે આવતાં હોય છે. ત્યારે વહેપારીઓ વહેલી સવારે પોતાના વહેપાર ધંધા શ‚ કરવા સાથે પૂજા-અર્ચના કરવા વહેલા આવી જતાં હોય છે. પરંતુ દિનભર આમ તેમ નકામી ચીજવસ્તુઓ ફેંકાતી હોવાને લઈને કચરાના ઠેરઠેર જામેલા ઢગને સાફસફાઈ માટે સફાઈ કર્મીઓ પહોંચતા નથી. અને દુકાનના સામગ્રીને ગોઠવીને સજાવટ સાથે પૂજા દિવાબત્તીના સમય ટાણેજ વિલંબ થી સ્વચ્છતા કરવામાં આવતા વહેપારીઓ ભારે નારાજગી અનુભવે છે. વળી, ખૂણા ખાંચરે લોકો દ્વારા ફેંકાયેલા કચરાને પણ સફાઈ કરાતી ન હોવાની લોકો બૂમો પાડી રહ્યા છે.

આ વોર્ડમાં સહજાનંદ સોસાયટી વિસ્તાર મહત્વનો ગણવામાં આવે છે. સમગ્ર સોસાયટીમાં આશરે ૩૦૦૦ થી વધુ મતદારો રહે છે. અગાઉ ચોમાસા પૂર્વેથી જ અને ત્યારબાદ વરસાદી પાણીના ધોવાણ થી જ બનાવેલા રસ્તાઓ બિસ્માર બન્યા હતા. અનેકવાર રજુઆતો બાદ પાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં રસ્તા બે માસ પૂર્વે બનાવીને મતદારોને ખુશ કરવામાં આવ્યા છે. પરંતુ લોકોના આક્ષેપ મુજબ ટેન્ડર મુજબ રસ્તાની સામગ્રી વ્યવસ્થીતપણે ઉપયોગ નહીં કરીને તકલાદી કામગીરી કરાઈ હોવાને લઈને ધીરેધીરે રેતી-કંકર બહાર આવવા માંડયા છે. કેટલાક સ્થળો એ ખાડા પણ સર્જાયા છે. ઉબડખાબડ બનેલા માર્ગને કારણે લોકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડવાની દહેશત સેવાઈ રહી છે. જો આ સર્જાયેલા ખાડાની મરામત કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સંપૂર્ણપણે સામગ્રી બહાર આવીને તકલાદી રસ્તાની પોલ ખૂલે તે પૂર્વે પાલિકા દ્વારા વ્યવસ્થીત ઉપયોગ લાયક રસ્તો બનાવવામાં આવે તે જ‚રી છે. વળી, સાફ સફાઈ પણ નિયિમિત નહી કરાતા ઠેરઠેર ગંદકી-કચરાના ઢગલા નજરે પડે છે. ભૂર્ગભ ગટર લાઈનની કામગીરી કર્યા બાદ ઉપરના ઢાંકણા યોગ્ય રીતે બેસાડવામાં નહીં આવતાં રોજીંદા ગંદકી બહાર રસ્તા ઉપર રેલાઈને ગંદકીના તળાવ રચાતા લોકો પરેશાન અનુભવે છે.

શુકલ સોસાયટીમાં ગાયત્રી મંદિર આવેલું હોવાથી નગર માંથી મોટી સંખ્યામાં અનુયાયીઓ સવાર-સાંજ દર્શનાર્થે આવે છે. પરંતુ નિયમિતપણે આ વિસ્તારમાં પાણી પહોંચી શકયંું નથી. આ શુકલ સોસાયટીની આસપાસની વિવિધ વિસ્તારોની સોસાયટીઓમાં પાલિકા દ્વારા પાણીની પાઈપ લાઈન આપી છે. પરંતુ આ વિસ્તાર ઉંચાઈ વાળો હોવાના કારણે પૂરતા પ્રમાણમાં ફોર્સથી પાણી મળી શકતું નથી. છેલ્લા ૧૦ વર્ષ ઉપરાંતથી અનિયમિત પીવાના પાણીની સમસ્યા હોવા અંગે મુશ્કેલી વેઠતા લોકોને ખાનગી બોરનો સહારો લેવો પડી રહ્યો છે. પાલિકામાંં પાઈપ લાઈન સમતળ કરીને પૂરત જથ્થો નળ સુધી મળે તે માટે પાલિકામાં રજુઆત કરવા છતાં આજદિન સુધી કોઈ હકારાત્મક પરિણામ આવ્યું નથી.

આઈ.ટી.આઈ.વિસ્તાર પાસે આવેલા પ્રભા કોતર ગોધરા નગર પાલિકાની હદનો છેવાડાનો વિસ્તારમાંં અનેક સોસાયટી આવેલી છે. ભૌગોલિક રીતે વિષમતા ધરાવતી આ સોસાયટીમા દર વર્ષે વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ર્ન ઉદ્દભવે છે. આઈ.ટી.આઈ. થી પૂર્વ વિસ્તારમાંથી આવતા વરસાદી વહેણ સીધા પ્રભા રોડ ઉપર ફંટાય છે. આ ઉપરાંત સીટી બેંક પાસેના ઢાળ મારફતે સમગ્ર આસપાસના વિસ્તારનું પાણી પણ રેલાઈને જ્યાં જગ્યા મળે ત્યાં વહેલ ફંટાય છે. સમગ્ર વિસ્તારનું પાણી આમ તેમ રેલાઈને ભગવત નગર કે જે નગરનો સૌથી નિચાણવાળો વિસ્તાર તરીકે ઓળખાય છે. જ્યાં સમગ્ર પાણી એકઠું થઈને મીની તળાવ આકાર લે છે. આ ભગવત નગરમાં એકત્રિત થયેલ વિપુલ પ્રમાણમાં વરસાદી પાણી ઘરોમાં ધુસવાની સાથે દિવસો સુધી કાદવ-કીચડ સર્જાતો રહે છે. અહીં ત્રણ વર્ષ ઉપરાંતથી જાણવા મળ્યા અનુસાર પાકો રસ્તો મંજુર કરાયેલો છે. પરંતુ આજદિન સુધી આંતરીક નવા રસ્તાઓ માટે પાલિકા આજદિન સુધી ડોકાઇ નથી. જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડ્તા લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

વોર્ડ નં.૩ના સૌથી પછાત ગણાતો પત્થર તલાવડી વિસ્તાર છે. જ્યાં શ્રમજીવી અને અશિક્ષિત પરિવારો મોટી સંંખ્યામાં રહે છે. અહીં આવાસ, નળ કનેકશન, સફાઈ ,સ્ટ્રીટ લાઈટ, દવા છંટકાવ, વ્યકિતગત શૌચાલય જેવી પાયાની સુવિા આપવામાં દર વર્ષે સભ્યો વચનો બાદ પણ ઊણા ઉતર્યા છે. લોકો માટે જાહેર શૌચાલય બનાવવામાં આવેલું છે. પરતું જ્યારથી બન્યું છે. ત્યારથી ખંભાતી તાળા મારેલા હોવાનો લઈને મહિલાઓ સહિત બાળકોને છેક રેલ્વે લાઈન કે કોલેજના મેદાનનો અંધારા સમયે સહારો લેવો પડતા ભારે મુસીબત અનુભવે છે. પત્થર તલાવડી વિસ્તારની આસપાસ રહેતા લોકો વર્ષોથી કાચા ઝુંપડામાં રહે છે. દર ચોમાસામાંં સામાન્ય વરસાદમાં પાણી તલાવડીમાં ઉમેરાવાની સાથે તલાવડી છલોછલ બનવાની સાથે તેઓના કાચાં મકાનો ધરાશયી થવાની સાથે નુકશાન થતાં તેઓને ના છુટકે અન્યત્ર સલામતી ખાતર ચોમાસાના ચાર માસ ગુજારવા પડે છે. પ્રધાનમંત્રી આવાસ જેવી મહત્વકાંક્ષી યોજના હોવા છતાં નગર પાલિકા દ્વારા આવા બેઘર અને ગરીબ પરિવારોને છત પુરી પાડવામાં નહીં આવતા તેઓ અગવડતા અનુભવે છે. આમ, ચોમાસા સિવાયના સમયમાં તલાવડી પાણી વિના ખાલીખમ હોવાથી અહીં કાચાં ઝુંપડા બાંધીને મજબુરન રહે છે. કેટલાક ઘરોમાં નળ કનેકશન નહી અપાતા દુર દુર થી પીવાનું તથા વપરાશનું પાણી મેળવવું પડે છે. તળાવમાં તથા આસપાસ રહેણાંંક વિસ્તારમાં સાફસફાઈ કરવામાં નહીંં આવતાં કે દવા છંંટકાવ પણ કરવામાં નહીં આવતાંં મચ્છરોના ઉપદ્રવ રોગચાળાને નિમંત્રણ આપતા દ્દશ્યો સર્જાયેલા રહે છે. આમ, આ પત્થર તલાવડી વિસ્તારના લોકો નર્કાગાર સ્થિતીમાં દયનિય જીવન ગુજારી રહ્યા છે. તેમણે રોજગારી માટે પણ ફાંફા પડવાની સાથે અનેક સરકારી સહાયથી વંચિત બનેલા હોવાથી ચંુંટાયેલા સભ્યો દ્વારા આગામી સમયમાં તેઓને પ્રમાણિકપણે ઉપલબ્ધ કરાવવાના પ્રાણ વચન લે તે જરૂરી જણાય છે.

મતદારોના સમીકરણ..

  • પુરૂષ-૫૧૦૪, સ્ત્રી-૪૯૯૪ કુલ- ૧૦૦૯
  • શિક્ષિત તથા મધ્યમવર્ગીય મતદારોનું પ્રભુત્વ.

મત વિસ્તારના ઉમેદવારો….

  • અરૂણાબેન કોન્ટ્રાકટર કોંગ્રેસ
  • ઉમંગ ચૌહાણ આપ
  • ઉસ્માબેન પટેલ ભાજપ
  • જયપ્રકાશ હરવાણી ભાજપ
  • દિપેશસિંહ ઠાકોર ભાજપ
  • ભાવનાબેન શાહ ભાજપ
  • સુમિત્રાબેન ભગોરા કોંગ્રેસ
  • અંકિત શાહ અપક્ષ
  • ર્ગૌરીબેન પટેલ અપક્ષ
  • ચેતનકુમાર સામનાણી અપક્ષ
  • પવન ત્રિવેદી અપક્ષ
  • મોનીકાબેન રાજાઈ અપક્ષ
  • વિક્રમભાઈ ચૌહાણ અપક્ષ
  • વિક્રમ ચૌહાણ અપક્ષ