
ગોધરા નગરપાલિકાના કાઉન્સિલર અને સભ્યો મોંહમદ ફેસલ એ. સુજેલાએ AIMIMના પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, તત્કાલિન પરિસ્થિતિ અને પરિબળોની સમીક્ષા કરતાં એ સ્પષ્ટ જણાઈ આવે છે કે, આવનાર વિધાનસભા 2022ની ચૂંટણીના અનુસંધાનમાં ગોધરા મત વિસ્તારમાં ચૂંટણી લડવા હાલ ગોધરામાં પક્ષનું સંગઠન મજબૂત નથી. તેથી હાલ પુરતું આ ટર્મમાં ચૂંટણી ન લડાવીને ગોધરામાં પક્ષનું સંગઠન મજબૂત કરવામાં ધ્યાન આપવું જોઇએ અને સંગઠન મજબૂત થયા બાદ હવે પછીની ટર્મ 2027ને ટાર્ગેટ કરી પક્ષની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી ગોધરા વિધાનસભામાં ઉમેદવારી કરવી જોઇએ.
2027ને ટાર્ગેટ કરી સંગઠન મજબૂત કરવું હાલ ચૂંટણીમાં ઝંપલાવવાના કારણે અપુરતા માનવબળ અને અપુરતી તૈયારીઓના કારણે પક્ષને ફાયદો થવાની જગ્યાએ ખૂબ જ મોટું નુકસાન થવાની પ્રબળ સંભાવનાઓ છે. તેથી હાલ તમામ ધ્યાન જ્યાં જ્યાં પક્ષનું સંગઠન મજબૂત છે ત્યાં અને જ્યાં પુરતી મહેનત થયેલ છે. ઉદાહરણ તરીકે અમદાવાદ, સુરત વગેરે જગ્યાએ જ ચૂંટણી લડવા મહેનત કરવી જોઇએ. ગોધરામાં હાલ 2027ને ટાર્ગેટ કરી સંગઠન મજબૂત કરવું જોઇએ અને 2022માં ગોધરામાં ચૂંટણી લડવાનું ટાળવું જોઇએ. તેમ છતાં કોઈ અન્ય પરિબળોના આધાર અને સમીક્ષાઓને ધ્યાનમાં રાખી જો પક્ષ ચૂંટણી લડવા અને લડાવવા જ માંગે તો ગોધરાના મુસ્લિમ ઉમેદવારને જ પ્રાધાન્ય આપવું જોઇએ.
સંગઠનમાં મતભેદ અને ભંગાણ થવાની સંભાવના તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે, ઉપરોક્ત સમીક્ષા મારા મતવિસ્તાર સહિત ગોધરા શહેરના તમામ હોદ્દેદારો, શહેરના આગેવાનો, પક્ષના હિતેચ્છુઓ, પક્ષ પ્રત્યે ખુબ જ લાણીશીલ તમામ લોકો અને પક્ષની વિચારધારાથી પ્રેરિત તમામ મતદારોની લાગણી અને માંગણીના અનુસંધાનમાં લોકમંતવ્યોના આધેર જણાવેલ હોવાથી આના પર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવે તેવી વિનંતી છે. જો આમ ન થાય તો સંગઠનમાં ગંભીર મતભેદ અને ભંગાણ થવાની પ્રબળ સંભાવનાઓ છે. પુરેપુરી શક્યતાઓ રહેલી છે.
તમામ બાબતો પર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવે
પત્રમાં આખરે જણાવ્યું છે કે, પત્રમાં જણાવેલી તમામ બાબતો પર ગંભીરતાથી ધ્યાન આપવામાં ન આવે તો હાલ જે સંગઠન છે એમાં પણ મતભેદ અને ભંગાણ થવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે. જેથી પુરતો વિચાર કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેમ જણાવ્યું છે.