ગોધરા વિધાનસભા બેઠક ઉપર સત્તાની સમીકરણ : મતદારો કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરે તે સમય નકકી કરશે.

ગોધરા,

પંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકી ગોધરા વિધાનસભા બેઠકના મતદારોનો મિજાજ કેવા હશે તે જોવા જઈએ તો ગોધરા વિધાનસભા બેઠક ઉપર ભાજપ, કોંગે્રસ, આપ પાર્ટી, એ.આઈ.એમ.આઈ.એમ.ના ઉમેદવાર મળી 10 ઉમેદવારો ચુંટણી જંગમાં ઝંપલાવ્યું છે. ભાજપના ઉમેદવાર સી.કે.રાઉલજી જે ગોધરા બેઠક ઉપર થી 2007 થી 2017 સુધી ત્રણ ટર્મથી જીત મેળવી હતી અને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ 2017માં ભાજપના ધારાસભ્ય છે. તેમને ભાજપ દ્વારા ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કોંગે્રસ પાર્ટીની વાત કરીએ તો કોંગે્રસના ઉમેદવાર રશ્મિતાબેન દુષ્યંતસિંહ ચૌહાણ ઓબીસી મહિલા ચહેરો બનાવ્યો છે. રશ્મિતાબેનના પતિ દુષ્યંતસિંહ 2017માંં શહેરા વિધાનસભા બેઠક ઉપર થી કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા. ગોધરા વિધાનસભા બેઠક ઉપર લધુમતિ મતદારો20.43 ટકા હોય ત્યારે લધુમતિ વિસ્તાર માંથી એ.આઈ.એમ.આઈ.એમ. એ પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે અન્ય એ.આઈ.એમ.આઈ.એમ. માંથી પાલિકા સભ્ય બનેલ હનીફ કલંદરને ટીકીટ નહિ મળતા અપક્ષ ઉમેદવારી કરી છે. તેવા ઉમેદવારો લધુમતિ મતમાં ગાબડું પાડી શકે છે. અપક્ષ ઉમેદવાર તરીકે મયુરકુમાર જશવંતલાલ પટેલ પણ મેદાનમાં ઉતર્યા છે.

ગોધરા વિધાનસભા બેઠક ઉપર મતદારો ઉપર નજર રાખીએ તો 1,32,505 પુરૂષ મતદારો, 1,25,520 સ્ત્રી મતદારો મળી કુલ 2,58,025 મતદારો ઉમેદારોનું ભાવિ નકકી કરશે.

ગોધરા વિધાનસભા વિસ્તારના મતદારોના પ્રશ્ર્નોમાં મુખ્ય ખેડુતોની સમસ્યા ગંભીર છે. સિંચાઈની વ્યવસ્થા ન હોવાથી માત્ર વરસાદી ખેતી ઉપર આધાર રાખવો પડે છે. નજીક થી નર્મદા મુખ્ય કેનાલ પસાર થતી હોવા છતાં સિંચાઈની સુવિધા માટે કોઈ નકકર પગલા ભરવામાં સરકારો નિષ્ફળ રહી છે. જે વિસ્તારમાં સિંચાઈ કેનાલો આવેલ છે. તે વિસ્તારોમાં સિંચાઈનું પાણી સમયસર ન મળતું હોવાની સમસ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં હાલ પણ પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં વિજળીનો અભાવ, ગ્રામ્ય વિસ્તારોમાં રોડ અને ક્રોઝ-વેના અભાવ જે હજી સુધી હલ થયો નથી. ગોધરા શહેરમાં પશ્ર્ચિમ વિસ્તારમાં રોડ રસ્તા, સાફ-સફાઈ સહિત પ્રાથમિક સુવિધાનો અભાવ અવારનવાર રજુઆતો છતાં યોગ્ય નિકાલ ન થતા લધુમતિ મતદારોમાં રોષ છે. આગામી 5 ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. ત્યારે હજી ગોધરા વિધાનસભા બેઠક ઉપર ચુંટણીનો માહોલ ઠંડો જોવા મળી રહ્યો છે. મતદારોમાં ઉત્સાહ જોવા મળતો નથી. ગોધરા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારનું ભાવિ ઓબીસી અને લધુમતિ મતદારોનો જોક જે તરફ હશે તે તરફ જાય તે હાલની સ્થિતી જોતા લાગી રહ્યું છે.

ગોધરા વિધાનસભાના મતદારો….

1,32,505 – પુરૂષ મતદારો

1,25,520 – સ્ત્રી મતદારો

…………..

2,58,025 કુલ મતદારો

ગોધરા વિધાનસભા બેઠક ઉપર જાતીય સમીકરણ…
ઓબીસી – 1,29,745
એસ.ટી. – 18,853
પટેલ – 12,449
એસ.સી. – 18,079
બ્રાહ્મણ – 9,016
રાજપુત – 7,488
અન્ય જ્ઞાતિના 29,210