ગોધરા નજીકના ત્રણ ટોલ પ્લાઝાને બંધ કરવા ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. મેદાને ઉતર્યું

ગોધરા નજીક 20 કિમીમાં એકસાથે 3 ટોલનાકા વર્ષોથી કાર્યરત છે. હાલ કૂદકેને ભૂસકે વધતી જતી મોંઘવારી અને ડીઝલના ભાવ આસમાને છે. ટ્રાન્સપોર્ટેશનના વ્યવસાયમાં હાલના ભાડાઓમાં વાહન માલિકોને મોટી બચત થતી નથી. જેને લઈને હાલ સદંતર આ ટોલનાકા તાત્કાલિક બંધ કરવા માટે માગ કરવામાં આવેલ છે.

ગોધરા સહિત જિલ્લાભરના અનેક પરિવારો વર્ષોથી ટ્રાન્સપોર્ટેશનના વ્યવસાય સાથે જોડાયેલા છે. અનેક પરિવારો આ વ્યવસાય પર નિર્ભર છે. ગોધરા નજીક 20 કિલોમીટરના અંતરમાં એકસાથે ત્રણ ટોલનાકા વર્ષોથી કાર્યરત છે. જેમા ગોધરા પાસે આવેલા સ્ટેટ હાઇવેના કાલોલ પાસે બેઢીયા, ગોધરા પાસે વાવડી ખાતે અને દાહોદ માર્ગ પર ભથવાડા ખાતેના ટોલનાકા તાત્કાલિક બંધ કરવા માટે હાલ રોષ સાથે માગણી ઉભી થવા પામેલ છે. આ ટોલનાકાઓ પરથી પસાર થવા માટે નાના મોટા ભરદારી વાહનોના માલિકોને અવર જ્વર કરવા માટે હજારો રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. જેને લઈને વાહન માલિકોને ભારે નુકશાન થઈ રહ્યું છે. પંચમહાલ જિલ્લાના ટ્રક માલિકો દ્વારા અગાઉ પણ ટોલનાકાઓ પર જઈને વિરોધ પ્રદશન કરવામાં આવ્યા હતા. વાહન માલિકોની માગ છે કે ગોધરા શહેરના 20 કિલોમીટરના અંતરમાં એકી સાથે 3 ટોલનાકા નિયમો વિરુદ્ધ ઉભા કરવામાં આવ્યા છે. ગોધરા નજીકની પ્રજાને ટોલનાકાની ફીમાં જે છુટ મળવી જોઈએ તે મળી રહી નથી.

અગાઉ આ મુદ્દે અનેક વાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવેલ છે. છતાં પણ સમસ્યાનું કોઈ તટસ્થ નિરાકરણ નહિ આવતા વાહન માલિકો નુકશાન ઉઠાવીને ત્રાસી ગયા છે. જેથી બુધવારે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી અને અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ને પત્ર લખી ટોલ પ્લાઝા બંધ કરવા માટે માગ કરવામાં આવી છે. સમસ્યાનું નિરાકરણ જલ્દી નહિ આવે તો મોટા આંદોલન ચીમકી ઉચ્ચારેલ છે.

શોએબ ભાઈ બક્કર સેક્રેટરી. પંચમહાલ જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન

ગોધરા સહિત જિલ્લાભરમાં અનેક પરિવારો ટ્રાન્સપોર્ટના વ્યવસાય પર નિર્ભર છે. હાલ ડીઝલના ભાવો વધુ હોવાને કારણે અને નહિવત ભાડાઓમાં કોઈ પણ મોટી બચત થતી નથી. અનેક લોકો ટ્રાન્સપોર્ટેશનના વ્યવસાય દ્વારા રોજીરોટી મેળવી રહ્યા છે. ત્યારે ગોધરા પાસેના 3 ટોલનાકાઓને કારણે ટ્રક માલિકોને ભારે નુકશાન થઈ રહ્યું છે. જે બંધ કરવા માટે અમારી માગ છે.

Don`t copy text!