
ગોધરા શહેરના વાલ્મિકી વાસમાં 17મા પાટોત્સવ નિમિત્તે માં જગદંબાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા યોગી ગિરનારી બાપુના શિષ્ય કૃષ્ણાનંદજી બાળ બ્રહ્મચારી અને સીતારામ બાપુના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.
શોભાયાત્રા વાલ્મિકી વાસથી પ્રારંભ થઈ ભૂરાવાવ ચાર રસ્તા અને સતનામ સાક્ષી ગેટ થઈને નિજ મંદિરે પરત ફરી હતી. માર્ગમાં વિવિધ સમાજના આગેવાનોએ પુષ્પગુચ્છથી શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. ડબગર સમાજની મહિલાઓએ મંદિર આગળ ભજન-કીર્તન કર્યા હતા.

કાર્યક્રમમાં સર્વોદય યુવક મંડળના યુવાનો અને સિંધી સમાજના અગ્રણીઓ જેઠાનંદ પેશુમલ આસનાની, લવ જેઠાનંદ આસનાની અને સંજય ટેહલ્યાણી ઉપસ્થિત રહ્યા હતા. વાલ્મિકી સમાજના મસીહા રાજેશ ચૌહાણે આ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું.

કાર્યક્રમની વિશેષ બાબત એ રહી કે પ્રથમ વખત વાલ્મિકી સમાજના 31 તેજસ્વી તારલાઓને વાલ્મિકી રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આમાં વકીલ, ડોક્ટર, એન્જિનિયર, પત્રકાર, આર્મી અને CISF જવાન, લેબર પ્રેક્ટિશનર, ક્રિકેટર અને ડાન્સરનો સમાવેશ થયો હતો. આ પહેલને પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના વાલ્મિકી સમાજના અગ્રણીઓએ આવકારી હતી.